જર્મનીના અર્થતંત્રમાં પણ ભારતીય પ્રોફેશનલ્સનો દબદબો યથાવત
નવી દિલ્હી, જર્મનીના ઈકોનોમિક ઇન્સ્ટિટ્યુટના તાજેતરના અભ્યાસ મુજબ જર્મનીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સને સૌથી વધુ સરેરાશ પગાર મળે છે. ૨૦૨૪ સુધીના ડેટા કહે છે કે, સરેરાશ પગારના મામલે ભારતીયો પછી અમેરિકનો અને આયરિશ છે, જ્યારે જર્મન નાગરિકો આશ્ચર્યજનક રીતે ચોથા ક્રમે છે.
ફેડરલ એમ્પ્લોયમેન્ટ એજન્સીના ડેટા પર આધારિત આ અભ્યાસ કહે છે કે, ફૂલ-ટાઇમ નોકરી કરતાં ભારતીય કામદારોની સરેરાશ માસિક કમાણી ૫,૩૯૩ યુરો (લગભગ રૂ. ૪,૮૫,૦૦૦) છે, જે જર્મન કામદારો ૪,૧૭૭ યુરો (રૂ. ૩,૭૫,૦૦૦) કરતાં ઘણી વધુ છે.
ભારતીયો પછી આૅસ્ટ્રિયનો ૫,૩૨૨ યુરો (રૂ. ૪,૭૮,૦૦૦), અમેરિકનો ૫,૩૦૭ યુરો (રૂ. ૪,૭૭,૦૦૦) અને આઇરિશ ૫,૨૩૩ યુરો (રૂ. ૪,૭૦,૦૦૦) સૌથી વધુ કમાય છે. જર્મનીમાં વસતા તમામ વિદેશી નાગરિકોની સરેરાશ માસિક કમાણી ૩,૨૦૪ યુરો (રૂ. ૨,૮૮,૦૦૦) થવા જાય છે. આ ઉચ્ચ કમાણીનું મુખ્ય કારણ એ છે કે જર્મનીમાં રહેતા ઘણાં ભારતીયો ઊંચો પગાર આપતા વિજ્ઞાન, ટૅન્કોલાજી, એન્જિનિયરિંગ અને ગણિત જેવા ક્ષેત્રોમાં કામ કરે છે.
વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધીમાં સ્ટેમ ક્ષેત્રમાં કામ કરતાં ભારતીયોની સંખ્યા ૯ ગણી વધીને ૩૨,૮૦૦થી વધારે થઈ ગઈ છે. ૨૫થી ૪૪ વર્ષ વયના ભારતીય કામદારોમાંથી ૩૩% સ્ટેમ ક્ષેત્રમાં છે, જે અન્ય કોઈપણ સમૂહ કરતાં ઘણું વધારે છે.
આ ડેટાથી સ્પષ્ટ થાય છે કે જર્મનીની અર્થવ્યવસ્થા આંતરરાષ્ટ્રીય પ્રતિભા પર ખૂબ આધારિત છે. આ ડેટા ભારતીયોની શૈક્ષણિક ક્ષમતા અને કાર્યકુશળતાની પણ સાબિતી આપે છે. આ એવા ક્ષેત્રો છે જ્યાં ભારતને પણ વિશેષ પ્રતિભાની જરૂર છે, પરંતુ વિદેશમાં વધુ સારી તકો મળતી હોવાથી ઘણાં ભારતીય તજજ્ઞો દેશ છોડી જતા હોય છે.SS1MS
