બળજબરી અને તાકાતને પ્રેમ ગણાવતાં પાત્રોથી હું ત્રાસી ગઈ છું: રાધિકા
મુંબઈ, જ્યારથી રણબીર કપૂરની નિમલ રિલીઝ થઈ ત્યારથી આલ્ફા મેલ અને ટોક્સિસિટીની ચર્ચાઓ વારંવાર થતી આવી છે. આવાં જ પ્રકારના પ્રેમનું સ્વરૂપ તાજેતરમાં રીરિલીઝ થયેલી એક દિવાનેં કી દિવાનિયત અને તાજેતરમાં રિલીઝ થયેલી ક્રિતિ સેનન અને ધનુષની તેરે ઇશ્ક મેં જોવા મળ્યું.
ત્યારે તાજેતરમાં ઓટીટી પર આવેલી રાધિકા આપ્ટેની ફિલ્મ સાલી મહોબ્બત સદર્ભે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે આપણે આવા ઉગ્ર અને ઘાતકી પ્રેમને મહત્વ આપવાનું બંધ કરવું જોઈએ.રાધિકાએ કહ્યું, “એ જ તકલીફ છે, મને નથી લાગતું કે ફિલ્મોમાં જે બને છે, તે માત્ર પ્રેમની તીવ્રતાને કારણે બને છે.
તે બિલકુલ અન્યાય અને તેની સાથે થતાં વર્તનને કારણે બને છે. કોઈ તમારા ગળાંડૂબ પ્રેમમાં કે દુનિયામાં કોઈની પણ સાથે આવું વર્તન કરે તેને હું ફિલ્મમાં ચમકાવી ન શકું. આપણે તેને જે રીતે જોઈએ છીએ તે દૃષ્ટિકોણમાં ખોટા પડી રહ્યાં છીએ.
કોઈ સાથે વારંવાર જ્યારે ખરાબ વર્તન કે અન્યાય થાય ત્યારે વ્યક્તિ આવો પ્રતિસાદ આપે છે.”રાધિકાએ આગળ કહ્યું, “આપણી સંસ્કૃતિમાં આપણે આવા વર્તનને પ્રેમ ગણાવી દઈએ છીએ, પરંતુ આપણે બીજાને ખુશ કરવા માટે જ્યારે આપણી ખુશીઓ સાથે વારંવાર સમાધાન કરવું પડે એ પ્રેમ ન હોઈ શકે. આ વાત સાથે હું સમહત નથી.”
રાધિકાએ ભારપૂર્વક કહ્યું કે બોલિવૂડમાં આપણે ઘણી વખત કોઈ તમારા પર બળજબરી કરે તેને ઊંડા પ્રેમમાં ખપાવી દઈએ છીએ, જે સાચું નથી. “પછી તે પતિ હોય, પતિનો પરિવાર હોય કે તમારા પોતાના મા બાપ, એમને સાંભળો અને એ લોકો જેમ કહે તેમ જ કરો એને પ્રેમ ન કહેવાય.
કોઈ તમારી ખુશીઓનું બલિદાન આપીને તેઓ કહે એમ જ તમે કરો એવી અપેક્ષા રાખે તો એ પ્રેમ નથી. બીજા વ્યક્તિને ખુશ જોવી એ પ્રેમ છે, પણ તેમને બળજબરી આજ્ઞાકારી બનાવવા એ પ્રેમ નથી.
એ તાકાત અને બળજબરી છે. હું આવી બાબતોને પ્રેમ અને સન્માન તરીકે ગણાવાતું જોઈ હવે ત્રાસી ગઈ છું.”તે માને છે કે ઇન્ડસ્ટ્રીએ આ બંધ કરવું જોઈએ, રાધિકાએ કહ્યું, “એ ભયાનક અને દયાજનક છે. મને લાગે છે, આપણે આવી ફિલ્મો બનાવવાનું અને આવી વાર્તાઓ કહેવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે વળગણ અને બળજબરીને જુસ્સો અને પ્રેમ ગણાવીને ભુલ કરી રહ્યાં છીએ.”SS1MS
