મને ફિલ્મમાંથી બહાર કરી દેવાઇ તે અંગે નિર્માતાએ ‘કમ સે કમ જાણ તો કરવી જોઈએઃ નિના ગુપ્તા
મુંબઈ, ફિલ્મી દુનિયાની અનિશ્ચિતતા એવી છે કે અહીં અનુભવી કલાકારોને પણ ક્યારેક એવી ક્ષણોનો સામનો કરવો પડે છે, જે તેમની ભાવનાત્મક ક્ષમતાની કસોટી લઇ લે છે. વરિષ્ઠ અભિનેત્રી નીના ગુપ્તાએ તાજેતરમાં એક ટોક શોમાં એવો જ એક અનુભવ શેર કર્યાે, જેમાં તેમણે જણાવ્યું કે ફિલ્મમાંથી તેમને રીપ્લેસ કરી દેવામાં આવ્યા હોવાની જાણ તેમને ઇન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી.
નીના ગુપ્તાએ પોતાની વાત શરૂ કરતાં કહ્યું, “એક ફિલ્મ માટે મને બોલાવવામાં આવી હતી અને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ‘તમારે જ આ રોલ કરવાનો છે, જવાબમાં મેં પણ સંમતિ આપી હતી” નિર્માતાઓ તેમની સાથે શૂટિંગની તારીખો અને મહેનતાણાં અંગે ચર્ચા પણ કરી હતી, પરંતુ થોડા દિવસો બાદ, તેમણે કહ્યું, “હું ઇન્સ્ટાગ્રામ જોઈ રહી હતી ત્યારે મેં જોયું કે મારી ઉંમરની એક અભિનેત્રી તેમની ઓફિસમાં જઈ રહી હતી”થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે મને જે ભૂમિકા સોંપાઇ હતી તે હવે અન્ય અભિનેત્રીને આપી દેવામાં આવી હતી.
“મને ખબર પડી કે મારી જગ્યાએ તેને લઈ લેવામાં આવી છે,” નીનાએ કહ્યું. આ બાબતે મૌન રહેવાને બદલે તેમણે સીધો સંવાદ સાધવાનો નિર્ણય લીધો. “મેં તેમને મેસેજ મોકલ્યો અને કહ્યું કે ઓછામાં ઓછું જાણ તો કરવી જોઈતી હતી. ઠીક છે, તમારો વિચાર બદલાયો હશે અને તમને લાગ્યું હશે કે એ અભિનેત્રી આ ભૂમિકા માટે વધુ યોગ્ય છે.”નિર્માતાની તરફથી પણ પરિપક્વ પ્રતિભાવ મળ્યો હતો.
નીનાએ જણાવ્યું, “તેમણે જવાબમાં કહ્યું કે ‘માફ કરશો, મારી ભૂલ થઈ. મારે તમને જણાવવું જોઈતું હતું.’ હવે અમારી વચ્ચે કોઈ કડવાશ નથી; અમે મિત્ર તરીકે જ છીએ.” તેમ છતાં, કોઈ સૂચના વિના ફિલ્મમાંથી બદલી નાખવામાં આવવું ભાવનાત્મક રીતે આઘાત પહોંચાડે એવું હોય છે. સંબંધો બગાડ્યા વિના, શાંતિપૂર્વક અને સંયમિત રીતે પોતાની વાત રજૂ કરવાની નીના ગુપ્તાની રીત સૌજન્ય, પરિપક્વતા અને આત્મસન્માનનો ઉત્તમ પાઠ આપે છે.SS1MS
