પ્રાકૃતિક કૃષિ કરવાથી પાક ઉત્પાદન ઘટે છે, આ ધારણા તોડવાની જરૂર છે: રાજ્યપાલ
પારસાના રામીબા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા રાજ્યપાલશ્રીનો ખેડૂતોને અનુરોધ
માણસા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને માટે તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની શરૂઆત કરવા સુચન કરતા રાજ્યપાલશ્રી
ગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ‘ગ્રામ્ય કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત માણસા તાલુકાના, સોલૈયા ગામની તા.૦૭ અને ૦૮ જાન્યુઆરી એમ બે દિવસીય મુલાકાતે પધાર્યા હતા. જે દરમિયાન રાજ્યપાલશ્રીએ સોલૈયા પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ કર્યો હતો.
રાત્રી વિશ્રામ બાદ તારીખ 8 જાન્યુઆરી ગુરુવારના દિવસે રાજ્યપાલશ્રીએ પારસા ગામના ખેડૂત આત્મારામભાઈ પ્રજાપતિના ‘રામીબા પ્રાકૃતિક ફાર્મ’ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાય દોહવા સાથે પ્રાકૃતિક કૃષિ ફાર્મનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યું હતું.
છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિ થકી જમીનને ફળદ્રુપ બનાવનાર આત્મારામભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં થઈ રહેલ વિવિધ પાકો અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ બળદ જોતરી ખેતરમાં જાતે હળ ચલાવ્યું હતુ. આ પ્રાકૃતિક કૃષિ ફાર્મ મુલાકાત અંતર્ગત રાજ્યપાલશ્રીએ ખેડૂતની જમીનની ગુણવત્તા અને તેમાં રહેલા ઓર્ગેનિક કાર્બન અંગે જાણકારી મેળવીને આત્મારામભાઈના પ્રાકૃતિક કૃષિના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે પ્રાકૃતિક ફાર્મમાં ઉપસ્થિત 60 જેટલા ખેડૂતો અને ગ્રામજનો સાથે પણ રાજ્યપાલશ્રીએ વિશેષ વાર્તાલાપ કર્યો હતો. જેમાં ઉપસ્થિત દરેકને પ્રાકૃતિક કૃષિમાં જોડાવા અંગે પ્રેરણા પૂરી પાડતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ કરવાથી પાક ઉત્પાદન ઘટે છે, આ ધારણા તોડવાની જરૂર છે, અને પારસાના ખેડૂત આત્મારામભાઈ જેવા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ફાર્મની અન્ય ખેડૂતોને મુલાકાત કરાવવા જણાવ્યું હતું.
પ્રાકૃતિક ફાર્મની મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ સોલૈયા પ્રાથમિક શાળાના બાળકો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ સોલૈયા સ્થિત ‘લવકુશ કોમ્યુનિટી હોલ’નું લોકાર્પણ કર્યું હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત સોલૈયાના ગ્રામજનોને પણ પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી હતી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા જનજાગૃતિ અભિયાનથી લોકોને તેમજ પ્રકૃતિને પણ લાભ મળી રહ્યો છે. પ્રાકૃતિક કૃષિ પર ભાર મુકતા રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત ઘણા બધા ખેડૂતોને ઉત્પાદન ઘટવાનો ડર લાગે છે, એટલે કદાચ તેઓ પ્રાકૃતિક કૃષિ કરતા અચકાય છે.
રાજ્યપાલશ્રીએ ગુરુકુલ કુરુક્ષેત્રના 200 એકર વિસ્તારમાં ફેલાયેલા ખેતરનું ઉદાહરણ આપતા જણાવ્યુ કે, છેલ્લા નવ વર્ષથી કોઈ પણ રાસાયણિક જંતુનાશક દવા ન નાખી હોવા છતાં આસપાસના ખેતરો કરતાં સૌથી વધુ ઉત્પાદન મળી રહ્યું છે. સાથે જ રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ગુરુકુલ કુરુક્ષેત્રના ખેતરની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.
આ તકે તેમણે ઉમેર્યું હતું કે, માણસા તાલુકાના ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમની મહેનત પ્રમાણે ઉત્પાદનનો સારો ભાવ મળી રહે તે માટે આગામી દિવસોમાં તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લેડી ગર્વનર શ્રીમતી દર્શના દેવીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આમંત્રિતોએ હાજરી આપી હતી.
