અનુસૂચિત જાતિ પરિવારના ઘરે સાદું ભોજન લીધું રાજ્યપાલેઃ પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કર્યું
માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર સૌથી મોટો વારસો-આજે સંયુક્ત પરિવાર અને પરસ્પર ભાઈચારા જેવી ભારતીય સાંસ્કૃતિક પરંપરા જ સાચી શક્તિ છે :રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સોલૈયા ગામે રાત્રી સભા યોજાઈ
પ્રાકૃતિક ખેતી, પશુપાલન, સ્વચ્છતા, વ્યસનમુક્તિ જેવા વિષયો પર ગ્રામજનો સાથે રાજ્યપાલશ્રીનો પ્રેરણાદાયી સંવાદ
સોલૈયા ગામમાં આયોજિત રાત્રી સભામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી, પશુપાલન, સ્વચ્છતા, વ્યસનમુક્તિ, બાળકોમાં સંસ્કારોનું સિંચન જેવા વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને પોતાના સંતાનોના સર્વાંગી વિકાસ માટે સારા સંસ્કાર, આદર્શ વિચારો, ઉત્તમ શિક્ષણ અને વ્યસનમુક્ત જીવન પર ખાસ ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માત્ર સંપત્તિ નહીં, પરંતુ સંસ્કાર સૌથી મોટો વારસો છે. સંયુક્ત પરિવાર અને પરસ્પર ભાઈચારા જેવી ભારતીય સાંસ્કૃતિક પરંપરા જ સાચી શક્તિ છે.
માણસા તાલુકાના સોલૈયા ગામની મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સોલૈયા પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યપાલશ્રી ગામમાં રહેતા અનુસૂચિત જાતિ પરિવારના શ્રીમતી હીરાબેન રમણભાઈ પરમારના ઘરે સાદું અને સાત્વિક ભોજન કર્યા બાદ અંબાજી મંદિરના પ્રાંગણમાં રાત્રી સભા-ખાટલા પરિષદમાં સહભાગી થયા હતા. જ્યાં તેમણે ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી સ્વચ્છતા,પશુપાલન અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયો પર સીધો સંવાદ કર્યો હતો.
રાત્રી સભામાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જમીનમાં અતિરેક યૂરિયા, કિટનાશકો અને રસાયણોના વધુ પડતાં ઉપયોગને કારણે અનાજ, ફળ, શાકભાજી સહિતની કૃષિ પેદાશો તેમજ પીવાનું પાણી સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જેની માનવ આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાના સમાધાન માટે ખેડૂતભાઈઓ અને બહેનોએ કૃષિમાં રસાયણ રહિત પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાની ખાસ જરૂરિયાત છે.
પશુપાલન અંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ઉન્નત જાતિના પશુ, પૂરતું પોષણ અને સરકાર દ્વારા ઉપલબ્ધ “સેક્સ સોર્ટેડ સીમન” નો ઉપયોગ કરીને દૂધનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધારી શકાય છે, જે ખેડૂતની આવક વધારવાનું શક્તિશાળી સાધન છે. તેમણે ગાયના દૂધ, ગોબર અને ગોમૂત્રને પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન ગણાવતા આવક સાથે જમીનની ઉપજાઉ શક્તિ જાળવવા માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ ગામમાં આરોગ્ય કેમ્પ, આધારકાર્ડ, લાઇસન્સ અને જમીન સંબંધિત કામ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરવા વિનંતી કરી હતી.
રાજ્યપાલશ્રીએ સોલૈયા ગામના પ્રગતિશીલ ગામ તરીકેના પ્રયાસોની પ્રશંસા કરતાં, વિદેશમાં વસતા ગ્રામજનોને પણ માતૃભૂમિ અને પોતાની સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલા રહેવાની અપીલ કરી હતી. તેમણે ગ્રામજનોના ઉષ્માભર્યા સ્નેહ અને આતિથ્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રાત્રી સભામાં રાજ્યપાલશ્રી સહિત ગ્રામજનોનું સ્વાગત કરતાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા આપણે કોઈપણ જાતના રાસાયણિક ખાતર વાપરતા નહોતા, છતાં ખેતરોમાં સારો પાક થતો હતો અને સારી તંદુરસ્તી જળવાઈ રહેતી હતી. પરંતુ આજે રાસાયણિક ખાતરોનો વપરાશ ખૂબ વધતાં અનેક આરોગ્યલક્ષી સમસ્યાઓ વધી છે, જેને જડમૂળથી દૂર કરવા રાજ્યપાલશ્રી પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યપાલશ્રી વિવિધ ગામોની મુલાકાત લઈને ગ્રામજનોને સ્વચ્છતા, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ જેવા વિષયો પર સુંદર માર્ગદર્શન આપી રહ્યા છે.
કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલે કરી હતી. આ પ્રસંગે માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, સરપંચ શ્રીમતી મનિષાબેન યશવંતભાઈ ચૌધરી, અગ્રણી શ્રી રમણભાઈ ચૌધરી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
