Western Times News

Gujarati News

ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટરમાં મુખ્યમંત્રીને શું જણાવ્યું?

પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર સરકારી અધિકારીઓ પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી,

પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના અણધડ વહીવટ સામે બળાપો ઠાલવ્યો

(એજન્સી)વડોદરા, અધિકારી રાજ ચાલી રહ્યું છે તેવા દાવાઓ ઘણા થયા પણ હવે ભાજપના જ ૫ ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારી બંનેના કાન મરડ્યા છે. વડોદરા જિલ્લાના પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના અણધડ વહીવટ સામે બળાપો ઠાલવ્યો છે.

વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાએ સામૂહિક રીતે એક પત્ર લખી મુખ્યમંત્રીને જિલ્લાની વાસ્તવિક સ્થિતિની ચિતાર બતાવ્યો છે. બીજી તરફ એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે અધિકારીઓ કોનું કામ નથી કરતાં પ્રજાનું કે નેતાઓનું?

ધારાસભ્યોએ રોષ ઠાલવતાં લખ્યું છે કે, હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવા જેવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થયા છે.

અધિકારીઓ (કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય વગેરે) પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવે છે, સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે.

પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી, ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી?

આ પ્રમાણેની ખરાબ માનસિકતાએ સુચારુ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી. વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામોને પ્રાધાન્યતા આપી- પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.