Western Times News

Gujarati News

પાર્કિગ ચાર્જના બહાને એરપોર્ટ ઉપર લૂંટ કરવામાં આવી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી પાર્કિગ ચાર્જને લઈને નાગરિકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. આ વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓ સાથે અવાર-નવાર સામાન્ય નાગરિકોને બોલાચાલી પણ થતી હોય છે.

પાર્કિગ ચાર્જના બહાને એરપોર્ટ ઉપર લૂંટ કરવામાં આવી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યો છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ર્પાકિંગના નવા નિયમોને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના નામે લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે તેમના પરિવારજનો ર્પાકિંગ ચાર્જની ચુકવણી રોકડમાં કરશે, તો તેમણે નિયત ચાર્જ ઉપરાંત વધારાના ૧૦૦ રૂપિયા દંડ સ્વરૂપે ચૂકવવા પડશે. આ નવા નિયમને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તેને ‘ખુલ્લી લૂંટ’ ગણાવી રહ્યા છે.

સામાન્ય રીતે ઇન્ટરનેશનલ ફ્‌લાઈટમાં જતા સ્વજનોને મૂકવા આવતા લોકો વધુ સામાનને કારણે પોતાની ખાનગી ગાડી લઈને એરપોર્ટ આવતા હોય છે. અત્યાર સુધીના નિયમ મુજબ, અડધા કલાક માટે ૫૦ રૂપિયા અને એક કલાક માટે ૮૦ રૂપિયા પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ નવા નિયમ મુજબ, જો તમે અડધો કલાક ગાડી પાર્ક કરો અને ૫૦ રૂપિયા કેશમાં આપવા માંગો, તો તમારે કુલ ૧૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

તેવી જ રીતે ૮૦ રૂપિયાના ચાર્જ સામે રોકડ ચુકવણી પર ૧૮૦ રૂપિયા વસૂલવામાં આવશે, જે સામાન્ય ચાર્જ કરતા બમણાથી પણ વધુ છે. એરપોર્ટ પર ર્પાકિંગ ચાર્જની સાથે અન્ય કડક નિયમો પણ મુસાફરોની મુશ્કેલી વધારી રહ્યા છે.

જો કોઈ મુસાફર ભૂલથી પણ ર્પાકિંગની કુપન કે ટિકિટ ખોઈ નાખે, તો તેની પાસેથી સીધો ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર ર્પાકિંગના દરો અને સુવિધાઓને લઈને વિવાદો સામે આવતા રહે છે.

મુસાફરોનો આરોપ છે કે એરપોર્ટ મેનેજમેન્ટ માત્ર નફો કમાવવા પર ધ્યાન આપી રહ્યું છે અને સામાન્ય જનતાની સગવડને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને એરપોર્ટ પરિસરમાં આ ૧૦૦ રૂપિયાના વધારાના ‘કેશ હેન્ડલિંગ ચાર્જ’ સામે પ્રવાસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ અન્યાયી નિયમ પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.