Western Times News

Gujarati News

દાણાપીઠ -પાંચકુવા ફાયર સ્ટેશનનું ટૂંક સમયમાં શરૂ થઈ જશેઃ દેવાંગ દાણી

અમદાવાદના લાંભા, હાથીજણ, રાણીપ અને સરદારનગરમાં નવા ફાયર સ્ટેશન બનશે

(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા ૧૫ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં નવા ૪ ફાયર સ્ટેશન સરદારનગર, રાણીપ, હાથીજણ અને લાંભામાં બનાવવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ સ્ટાફની ભરતી કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારની સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ આશરે દર ૧૦ ચો.કી.મી.એ ૧ ફાયર સ્ટેશનની જરૂરીયાત હોય તે મુજબ ૫૦૦ ચો.કી.મી. વિસ્તારમાં માટે ૫૦ ફાયર સ્ટેશનની જરૂરીયાત ઉભી થાય તેમ છે.

ગોતા અને ત્રાગડ ૨ નવા ફાયર સ્ટેશનો આગામી વર્ષમાં બની તૈયાર થશે. ૨૦૧૫માં ફાયરખાતાના ટેકનિકલ શીડયુલમાં જે જગ્યાઓ ખાલી પડે છે તે ભરવા/બઢતી આપવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ દ્વારા હાલમાં ચાલુ છે. બોપલ, ગોતા, ત્રાગડ સહિતના અલગ અલગ નવા ફાયર સ્ટેશન માટે સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર, જમાદાર, ડ્રાઇવર કમ ઓપરેટર સહિતની ભરતીઓ કરવામાં આવશે.

જેમ નવા ફાયર સ્ટેશન આવશે એમ નવી ભરતી કરવામાં આવશે.ચાર નવા ફાયર સ્ટેશનો માટે હોદ્દા વાઇઝ સ્ટાફની જગ્યાઓ બહાર પાડીને નવી ભરતી/નિમણૂંક કરાશે. નવા ચાર ફાયર સ્ટેશન માટે સ્ટેશન ઓફિસર, સબ ફાયર ઓફિસર, ફાયરમેન સહિત કુલ ૧૬૮ સ્ટાફની ભરતી કરવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આગામી વર્ષ ૨૦૨૬-૨૭માં રામોલ, કઠવાડા, વસ્ત્રાલ, વાસણા, ચાંદખેડા, ન્યુ વાડજ, લાંભા, થલતેજ, સરખેજ, ઓગણજ, ઈસનપુર, નારણપુરા, ધુમા, જોધપુર, મકતમપુરામાં પણ કુલ ૧૫ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામા આવનાર છે. અમદાવાદ શહેરનો વિસ્તાર આશરે ૫૦૫ ચોરસ કિલોમીટર થયેલો છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ ઉપરાંત નજીકના ગામો તથા શહેરોને જરૂર પડે ત્યારે મદદ આપે છે.

તથા ઇમરજન્સી સમયે જરૂરીયાતના સમયે ગુજરાત રાજય બહાર પણ સેવા પુરી પાડે છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં કુલ ૧૯ ફાયર સ્ટેશન કાર્યરત છે. આગામી વર્ષમાં નવા ૨ ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટસ બનાવી લોકાર્પણ કરવામાં આવશે.

ખમાસા ખાતે દાણાપીઠ ફાયર સ્ટેશનને તોડીને નવું બનાવવાની કામગીરી ચાલુ છે. જે ટૂંક સમયમાં બનીને તૈયાર થશે. પાંચકુવા ફાયર સ્ટેશનનું રીનોવેશનની કામગીરી પૂર્ણતા તરફ છે જેથી ૨ ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાર્ટસ પણ બની તૈયાર થનાર હોવાથી તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.