Western Times News

Gujarati News

સાબરમતી રિવરફ્રન્ટ પર ઊભી કરાઈ હેરિટેજ પોળ

(એજન્સી)અમદાવાદ, હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદમાં આ વર્ષનો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ કંઈક અલગ અને ખાસ બની રહેશે. જી હા…દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે.

અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરાઈ છે.

અંદાજે ૫૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ ફેસ્ટિવલમાં હેરિટેજ પોળની થીમ પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ અને આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉત્તરાયણ વખતે જે રીતે લોકો પોળના ધાબા ભાડે રાખીને પતંગબાજીની મજા લેતા હોય છે, તેવો જ માહોલ અહીં ઉભો કરવાનો પ્રયાસ કરાયો છે.

સામાન્ય રીતે ૧૦ જાન્યુઆરીથી શરૂ થતો આ ફેસ્ટિવલ આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભ સદન ખાતે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેરિટેજ થીમ ગેટ પરથી પ્રવેશ કરશે અને ત્યાંથી વિશેષ સ્ટેજ સુધી ગોલ્ફ કાર્ટ દ્વારા પહોંચશે. પોળ અને મુખ્ય સ્ટેજ વચ્ચે કુલ ૫ અલગ-અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે,

જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે અને ફૈંઁ મહેમાનોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાઈટ ફેસ્ટિવલની સાથે સાથે પ્રધાનમંત્રી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોની પણ મુલાકાત લેશે. માત્ર પતંગો જ નહીં, પરંતુ મુલાકાતીઓ માટે ખાણી-પીણીના ફૂડ સ્ટોલ્સ અને કલા-કૃતિઓનું પણ સુંદર આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.