Western Times News

Gujarati News

મ્યુનિ. એસ્ટેટ વિભાગે ૨૦૨૫માં ૩૮૩૧ મિલકતો દૂર કરી 111 કિમી લંબાઈના રસ્તાઓ ખૂલ્લાં કર્યાં

પ્રતિકાત્મક

ટી.પી. ઇન્સ્પેક્શન પ્લોટ હેઠળ કુલ ૨૯૦ પ્લોટમાં અમલીકરણ થયુ- અંદાજે ૧૭.૦૮ લાખ ચોરસ મીટર વિસ્તારના પ્લોટોનો કબજો મેળવવામાં આવ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરના આયોજનબદ્ધ વિકાસ, જાહેર સુવિધાઓના સંરક્ષણ તથા ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન ટી.પી. સ્કીમના અમલીકરણ માટે વ્યાપક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સંકલિત કામગીરીના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં અવરોધરૂપ દબાણો દૂર કરી વિકાસકાર્યોને નવી ગતિ મળી છે.

મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા ૦૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ટી.પી. ઇન્સ્પેક્શન પ્લોટ હેઠળ કુલ ૨૯૦ પ્લોટમાં અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૧૭.૦૮ લાખ ચોરસ મીટર વિસ્તારના પ્લોટોનો કબજો મેળવવામાં આવ્યો છે.

ટી.પી. સ્કીમના અમલીકરણ દરમિયાન રહેણાંક ક્ષેત્રમાં ૧૦૫૦ કાચા મકાન અને ૨૨૧૩ પાકા મકાન, આમ કુલ ૩૨૬૩ રહેણાંક યુનિટ દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ બિન-રહેણાંક ક્ષેત્રમાં ૨૧૩ કાચા અને ૩૫૫ પાકા બાંધકામ, આમ કુલ ૫૬૮ યુનિટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ રીતે કુલ ૩૮૩૧ રહેણાંક અને બિન-રહેણાંક યુનિટ દૂર કરીને ટી.પી. સ્કીમનું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું હતું.

શહેરમાં ટી.પી. રોડ તથા રી.ડી.પી. રોડ ખુલ્લા કરવા માટે કુલ ૪૦૨ રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. ટી.પી. રોડમાં આવતાં રહેણાંક બાંધકામોમાં ૬૬૪ કાચા અને ૧૭૨૨ પાકા, કુલ ૨૩૮૬ યુનિટ દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બિન-રહેણાંક બાંધકામોમાં ૩૮૬ કાચા અને ૧૪૪૪ પાકા, આમ કુલ ૧૮૩૦ બાંધકામો હટાવવામાં આવ્યા હતા. આ રીતે રોડ પરના કુલ ૪૨૧૬ યુનિટ દૂર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર કાર્યવાહીથી શહેરમાં અંદાજે ૧૧૧.૨૬૭ કિલોમીટર લંબાઈના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બની છે તેમજ ટી.પી. સ્કીમ મુજબ શહેરના સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસને મહત્વપૂર્ણ વેગ મળ્યો છે. એએમસીના એસ્ટેટ વિભાગની આ કામગીરી શહેરને વધુ દબાણમુક્ત, સુવ્યવસ્થિત અને નાગરિકોને અનુકૂળ બનાવવામાં નોંધપાત્ર સાબિત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.