પાટણના નિવૃત્ત ASIનો લાંચ કેસમાં જેલવાસ લંબાયો: જામીન અરજી નામંજૂર
સેશન્સ કોર્ટે અરજી ફગાવતા -પોકસો કેસમાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપી લાંચ માંગી હતી
પાટણ, પાટણ જિલ્લા પોલીસના નિવૃત્ત એએસઆઈ ઈશ્વર નાગજીભાઈ દેસાઈ (ઉ.વ.૬૧)ની નિયમિત જામની અરજી પાટણની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જજ પ્રશાંત એચ.શેઠે આ નિર્ણય સંભાળાવતા તેમનો જેલવાસ લંબાયો છે. તેઓ છેલ્લા છ વર્ષથી એસીબી કેસનો સામનો કરી રહ્યા છે. ઈશ્વભરભાઈ સામે પાટણ એસીબી પોલીસ સ્ટેશનમાં ર૦રપમાં ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ ગુનો નોંધાયો હતો. તેમની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે નામંજૂર કરી હતી.
સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધા બાદ તેઓ ર૭ ઓકટોબર ર૦રપના રોજ તપાસ અધીકારી સમક્ષ હાજર થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને હાલ તે સ્પેશિયલ એસીબી કેસ તરીકે પાટણની એસીબી કોર્ટમાં વિચારણા હેઠળ છે. આ કેસ રપ ડિસેમ્બર ર૦૧૯ના રોજ પાટણ એસીબી પોલીસે ગોઠવેલા લાંચના છટકા સાથે સંબંધિત છે.
જો કે, તે છટકું નિષ્ફળ ગયું હતું. તેની તપાસ બાદ પાંચ વર્ષ પછી ર૦રપમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જનકભાઈ ડી.ઠક્કરે વિરોધ કરતાં રજૂઆત કરી હતી કે આરોપી તે સમયે રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે એક વ્યક્તિને પોકસો કેસમાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપીને શરૂઆતમાં રૂપિયા એક લાખની માગણી કરી હતી જે અંતે રૂપિયા પ૦,૦૦૦ પર આવી હતી.
લાંચના છટકા દરમિયાન થયેલું રેકોર્ડીંગ આરોપી દ્વારા લાંચની માગણી દર્શાવે છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીની જામીન અરજી નામંજૂર કરવા વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે સરકારી વકીલની રજૂઆતોને ધ્યાનમાં લઈને જામીન અરજી નામંજૂર કરી હતી.
