લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોને ગંદકી તેમજ જાહેરમાં દુર્ગંધ મારતા પાણીનો નિકાલ નહીં કરવા કડક સૂચના
પ્રતિકાત્મક
ભરૂચ નગરપાલિકાની કડક કાર્યવાહી-દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરનાર જલારામ ફાસ્ટફૂડને દંડ ફટકારાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના શક્તિનાથ ખાતે આવેલ ફૂડ ઝોનના ખાણી પીણી અને રેસ્ટોરન્ટ દ્વારા દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો જાહેરમાર્ગ પર નિકાલ કરતા પાલિકાએ કડક પગલા ભરી દંડનીય કાર્યવાહી કરતા ગંદકી ફેલાવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
ભરૂચ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકા દ્વારા વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને દિવસ રાત સફાઈ હાથ ધરવા સાથે લારી ગલ્લાઓ પર ચેકીંગ હાથધરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે પાલિકાને ગતરોજ ફરિયાદ મળી હતી કે વોર્ડ નંબર ૩ ના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફૂડ ઝોનમાં ધમધમતી લારીઓ અને રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા તેઓનું દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો જાહેરમાં નિકાલ કરી રહ્યા છે.

જે ફરિયાદના આધારે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ અને વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર પૂજા રામી તેઓની ટીમ સાથે ગુરુવારની સવારે આકસ્મિક ચેકીંગ હાથધર્યું હતું અને જાહેરમાં દુષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા સંચાલકને કડક સૂચના આપતા સંચાલક દ્વારા સફાઈ અને માટી પુરાણ કરાવ્યું હતું.
પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરતા જલારામ ફાસ્ટફૂડના સંચાલકને ૧૦૦૦ રૂપિયાનો સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો અને અન્ય લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોને ગંદકી તેમજ જાહેરમાં દુષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી હતી અને સૂચનાનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની કરવાની સૂચના આપતા જાહેરમાં ગંદકી ફેલાવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.પરંતુ ભરૂચવાસીઓનો સહયોગ નહીં મળતા અને ગમે ત્યાં કચરો નાંખતા પાલિકા નિષ્ફળ નીવડી રહ્યું છે.
ત્યારે જાહેરમાં ગંદકી ફેલાવતા લોકો સામે પાલિકા તંત્ર હજુ કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહી કરે તે જરૂરી છે જેથી આવનાર દિવસોમાં ભરૂચ સ્વચ્છ અને સુંદર તરફ આગળ વધી શકે અમે ગંદકી માંથી છુટકારો મળી શકે.
