રૂ.૨.૮૭ કરોડના વિદેશી દારૂનો જાહેર નાશ કરાયો
ગોધરાના ભેખડીયા વિસ્તારમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ ગુનાઓમાં પકડાયેલા આ દારૂના જથ્થાનો નિકાલ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના ભેખડીયા વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીનમાં શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા રૂ. ૨.૮૭ કરોડના વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ ગુનાઓમાં પકડાયેલા આ દારૂના જથ્થાનો નિકાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં કરવામાં આવ્યો.
આ કાર્યવાહીમાં કુલ ૧,૬૦,૮૪૧ દારૂ અને બીયરની બોટલોનો નાશ કરાયો હતો. કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી જેસીબી અને રોલર જેવી ભારે મશીનરી ફેરવીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી હતી. પંચમહાલ રેન્જના આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની સૂચના અનુસાર નામદાર કોર્ટ પાસેથી જરૂરી મંજૂરી મેળવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દાબા જાડેજા, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, નશાબંધી અધિકારી એ.એન. પરમાર સહિતની સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના સ્ટાફે સમગ્ર કાર્યવાહી કડક દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
