નદી કિનારેથી ક્રિકેટ સટ્ટાબાજ મુસ્તુફાખાન પઠાણ ઝડપાયો
(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગોમા નદીના કિનારે ક્રિકેટનો સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી આશિયાના સોસાયટી પાછળ આવેલી ઝાડી-ઝાખરાવાળી ખુલ્લી જગ્યામાં કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન, રોકડ રકમ તથા સટ્ટાની નોંધપોથી જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીનું નામ મુસ્તુફાખાન પઠાણ હોવાનું બહાર આવ્યું છે. તે તાજેતરમાં ચાલી રહેલી બિગ બેશ લીગ ૨૦૨૫/૨૬ અંતર્ગત સિડની સિક્સર્સ અને બ્રિસબેન હીટ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો. આરોપી ટીમની હાર-જીત ઉપરાંત વ્યક્તિગત ખેલાડીઓના પ્રદર્શન પર પણ સેશન લગાવતો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુસ્તુફાખાન મોબાઈલ ફોનના માધ્યમથી સટ્ટા વ્યવહાર ચલાવતો હતો. એક મોબાઈલમાં તે ‘ક્રિકેટ ગુરુ’ એપ્લિકેશન દ્વારા લાઈવ મેચ જોતો હતો, જ્યારે બીજા મોબાઈલમાં ‘લાઈવ ઝૂમ’ એપ્લિકેશન મારફતે ગ્રાહકો સાથે ભાવતાલ નક્કી કરતો હતો. ત્રીજા મોબાઈલમાં ‘ક્રિકેટ માજા’ એપ્લિકેશનમાં બિગ બેશ લીગની મેચ ચાલુ હતી. તે કાગળ પર બોલર-બેટ્સમેનની વિગત તથા બોલ-વાઈઝ સ્કોર નોંધતો હતો.
પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ.૧૫,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન, રૂ.૨,૯૫૦ રોકડ અને સટ્ટાની નોંધપોથી કબજે કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે આ ક્રિકેટ સટ્ટો મુક્તિયાર મકસુદ મલેક નામે લખાવતો હતો. કાલોલ પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
