ડાકોર મંદિરમાં રણછોડ સેનાના કર્મચારી દર્શનાર્થે આવેલા વૈષ્ણવો પાસે પૈસા માંગતા ઝડપાયો
File Photo
ડાકોર મંદિરમાં વૈષ્ણવો પાસેથી નાણાં લેવા બાબતે ઠપકો આપનાર સેવક પર સેવક પરિવારનો હુમલો
(પ્રતિનિધિ) નડિયાદ, ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે આવેલ વૈષ્ણવો પાસે નાણાં લેવા બાબતે ઠપકો આપનાર એક સેવકને અન્ય સેવક તેની પત્ની અને પુત્રે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ ડાકોર પોલીસ મથકે નોંધાતા નગરમાં ભારે ચકચાર મચી ગઈ છે
મળતી માહિતી મુજબ ડાકોર નગરમાં સંતરામ પાર્કમાં રહેતા અને રણછોડરાયજી મંદિરમાં તુલસી ચઢાવવાની સેવા કરતા ૫૬ વર્ષીય નરેશકુમાર રતીલાલ સેવક ગત તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારના સમયે પોતાની ફરજ પર હતા.
તેઓ સવારે અગીયાર વાગ્યાની આસપાસ રણછોડરાયજી મંદિરમાં ફડાતર પાસે ઉભા હતા, ત્યારે નરેશકુમાર સેવકે મંદિરના રણછોડ સેનાના કર્મચારી રાકેશ મધુસુદન સેવક ત્યાં દર્શનાર્થે આવેલા વૈષ્ણવો પાસે પૈસા માંગતા જોયા હતા. જેથી તેઓએ આ વૈષ્ણવો પોતાના ઓળખીતા હોવાનું જણાવી રાકેશ સેવકને તેઓની પાસેથી ખોટા પૈસા ન લેવા માટે ઠપકો આપ્યો હતો.
જેને પગલે ઉશ્કેરાયેલ રાકેશ સેવકે ગાળો બોલી નરેશકુમાર સેવક સાથે ઝઘડો કર્યો હતો બાદ ઉશ્કેરાટમાં આવીને રાકેશ સેવકે પોતાના હાથમાં રહેલી એક્ટિવાની ચાવી નરેશકુમારને માથામાં ડાબી બાજુ જોરથી મારી લોહી લુહાણ કર્યા હતા આ સમયે નજીકમાં હાજર દીપકભાઈ ખંભોળજાએ વચ્ચે પડીને નરેશકુમારને વધુ માર ખાતા બચાવ્યા હતા.
ત્યારબાદ નરેશકુમાર સેવક દવાખાને જવા માટે મંદિરના બહારના દરવાજા પાસે પહોંચ્યા, ત્યારે રાકેશ સેવક તેના પુત્ર નિલ સેવક અને પત્ની મયુરી સેવક
ત્રણેય જણાએ ભેગા મળીને નરેશકુમાર સેવક ને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન રાકેશ સેવકે તેમનુ ગળું પકડી લીધું હતું, દરમિયાન બૂમાબૂમના પગલે દર્શનાર્થીઓ ત્યાં દોડી આવતા રાકેશ સેવક તેનો પુત્ર અને પત્ની જો ફરીથી મંદિરમાં કંઈ બોલીશ તને જીવતો રહેવા દઈશું નહીં. તેવી નરેશ સેવકને ધમકી આપી રફુ ચક્કર થઈ ગઈ હતી ડાકોર પોલીસ એ આ અંગે રાકેશ સેવક તેના પુત્ર નિલ અને પત્ની મયુરિકા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
