૧૨ જાન્યુઆરીએ કિસાન સંઘનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન- શું છે કારણો?
AI Image
ચાલો ગાંધીનગરના નારા સાથે જિલ્લાના હજારો ખેડૂતોએ પોતાની ન્યાયસંગત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા તૈયારી
ટોલબૂથથી ૨૦ કિમીના વિસ્તારમાં રહેતા ખેડૂતોને ટોલમુક્તિ આપવાની રજૂઆત કરાશે.
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડૂતની વિવિધ સમસ્યાઓને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા તા.૧૨ જાન્યુઆરી રોજ ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન કરાવાનું આયોજન કરાયું છે ત્યારે સાબરકાંઠા કિસાન સંઘ એકમના અગ્રણીઓએ ગામડાઓમાં રહેતાં ખેડુતોને આ શક્તિ પ્રદર્શન અંતર્ગત ચાલો ગાંધીનગરના નારા સાથે જિલ્લાના હજારો ખેડૂતોએ પોતાની ન્યાયસંગત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા તૈયારી દર્શાવી છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં વડીલોપાર્જીત મિલકતમાં આડી લાઇનના વારસદારોને સ્ટેમ્પ ડયૂટીમાંથી મુક્તિ, ગૌચરની જમીનની માપણી કરી દબાણો દૂર કરવું તેમજ ગૌચર, નાળિયા અને જાહેર રસ્તાઓની આજુબાજુ તાર ફેન્સિંગ કરવીનો સમાવેશ થાય છે. સાથે જ ખેતર સુધી પહોંચવા માટે આર.સી.સી. રોડ બનાવવા માંગ ઉઠવા પામી છે.
-
જમીન અને મહેસૂલી પ્રશ્નો: વારસાઈ મિલકતમાં સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ, ગૌચરના દબાણો દૂર કરવા, જમીન રી-સર્વેના પ્રશ્નોનો કાયમી નિકાલ અને જૂના રેકોર્ડ મુજબ માપણી કરવાની માંગણી કરવામાં આવી છે.
-
જળ સંચય અને સિંચાઈ: સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા વધુ તળાવો ભરવા, નદીઓ પર નવા ચેકડેમ બનાવવા અને ઈડર-વડાલી પૂર્વ વિસ્તારમાં સિંચાઈની નવી યોજનાઓ મંજૂર કરવા પર ભાર મૂકાયો છે.
-
સબસિડી અને આર્થિક રાહત: ટપક સિંચાઈમાં ૯૦% સબસિડી, દૂધમાં પ્રતિ લિટર ૫ રૂપિયાની સહાય, ટ્રેક્ટરને સ્ક્રેપ પોલિસી અને ટેક્સમાંથી મુક્તિ તેમજ ખાતરના ભાવ વધારો પરત ખેંચવાની મુખ્ય માંગ છે.
-
ખેડૂત હિતલક્ષી સુરક્ષા: ખેતરના રસ્તાઓ આર.સી.સી. બનાવવા, બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પાછલા વર્ષનો ભાવ અપાવવો અને ટોલબૂથથી ૨૦ કિમીના વિસ્તારમાં રહેતા ખેડૂતોને ટોલમુક્તિ આપવાની રજૂઆત કરાશે.
સૌની યોજના, સુજલામ સુફલામ તથા અન્ય પાઇપલાઇન યોજનાઓ મારફતે વધુમાં વધુ તળાવો ભરાય તેવી વ્યવસ્થા, હાઇ કંટ્રોલ કેનાલને આગળ વધારવી, સાબરકાંઠાના તળાવો મફતમાં ભરવા, અડધા એમ.એફ. પાણીની મંજૂરીમાં કામની ગતિ વધારવી તથા બાકી અડધા એમ.એફ. પાણીની વહીવટી મંજૂરી આપવાની માંગ ઉગ્ર બની છે. નદીઓ પર ચેકડેમ બનાવવાની તથા ઈડર-વડાલી પૂર્વ વિસ્તારના તળાવો ભરવાની યોજના બનાવવાની માંગ કરવામાં આવી છે.
બટાકાના કોન્ટ્રાક્ટ ર્ફામિંગમાં ખેડૂતોને ગયા વર્ષનો ભાવ અપાવવો, ટોલબૂથથી ૨૦ કિ.મી. વિસ્તારમાં રહેતા લોકોને ટોલમુક્તિ આપવી, રી-સર્વેના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવો તથા જૂના રેકર્ડ મુજબનું માપ પરત લાવવાની માંગ પણ કરવામાં આવી છે.
કુવારાને ડ્રિપ ઈરિગેશનમાં ૯૦ ટકા સબસિડી, ટ્રેક્ટરની ટ્રોલી પરથી ટેક્સ અને પાસિંગમાંથી મુક્તિ, વાહન સ્ક્રેપ નીતિમાંથી ટ્રેક્ટરને બહાર રાખવા, વીજટાવર લાઇનના પ્રશ્નો, જમીનનું યોગ્ય વળતર ચુકવવા, પાક ધિરાણની મર્યાદા વધારવા, રાસાયણિક ખાતરના ભાવ વધારો પરત ખેંચવા, તાર ફેન્સિંગની સબસિડીમાં વધારો, દેશી કપાસના વાવેતર માટે પ્રોત્સાહન, સ્કાય યોજના ફરી શરૂ કરવી, પશુપાલકોને દૂધમાં પ્રતિ લીટર પાંચ રૂપિયા સબસિડી જેવી અનેક માંગણીઓ રજૂ કરાશે.
આ શક્તિ પ્રદર્શનમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે જિલ્લામાં તમામ તાલુકાઓમાં કિસાન સંઘ દ્વારા ગામેગામ પ્રચાર અભિયાન હાથ ધરાયું છે.
કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘભાઈ પટેલ દ્વારા લાઉડસ્પીકર સાથે ગાડીમાં કાંકરેજ તેમજ ઓગડ તાલુકાના ગામોમાં ફરી ખેડૂતોને ગાંધીનગર પહોંચવા આહવાન કરવામાં આવી રહ્યું છે.
