કૂતરાં માણસનો ડર પારખી જાય છે, પછી જ હુમલો કરે છે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, કૂતરાઓને માણસના ડરનો અહેસાસ થઈ જાય છે. તેમને લાગે છે કે સામેની વ્યક્તિ ડરેલી છે, ત્યારે તેઓ તેના પર હુમલો કરે છે. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચે રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.બેન્ચે કહ્યું કે, “અમે અમારા વ્યક્તિગત અનુભવથી કહી રહ્યા છીએ કે કૂતરા માણસના ડરને પારખ્યા પછી જ તેના પર હુમલો કરે છે.”
સુનાવણી દરમિયાન એક શ્વાન પ્રેમીએ આ ટિપ્પણી સાથે અસંમતિ દર્શાવતા માથું હલાવ્યું, તો બેન્ચે કહ્યું કે, “મેડમ, તમે આ રીતે માથું ન હલાવો. જો કૂતરાઓને ખબર પડી જાય કે સામેની વ્યક્તિ ડરેલી છે, તો પૂરી સંભાવના છે કે તેઓ તમારા પર હુમલો કરશે. એટલું જ નહીં, તમારો પાલતુ કૂતરો પણ તમારા પર હુમલો કરી શકે છે.
”સુપ્રીમ કોર્ટ આ મામલે તમામ પક્ષકારો—શ્વાન પ્રેમીઓ, કૂતરા કરડવાથી પીડિત લોકો અને પ્રાણી અધિકાર કાર્યકર્તાઓ તરફથી રજૂ થયેલા વકીલોની દલીલો વિગતવાર સાંભળી રહી છે. કોર્ટે ગુરુવારે અનેક સંગઠનોના વકીલોની દલીલો સાંભળી હતી.
વકીલોએ ‘એનિમલ બર્થ કંટ્રોલ’ના નિયમોના કડક અમલીકરણમાં સત્તાવાળાઓના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા અને સૂચનો આપ્યા હતા. નકુલ દીવાન નામના વકીલે કૂતરાઓમાં ‘માઈક્રો ચિપ’ લગાવવાનું સૂચન કર્યું હતું જેથી તેમના રસીકરણ અને નસબંધીનો રેકોર્ડ રાખી શકાય.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હળવા અંદાજમાં કહ્યું કે આપણે કૂતરાને બદલે બિલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. જસ્ટિસ સંદીપ મહેતાએ આ ટિપ્પણી શ્વાન પ્રેમીઓના વકીલ સી.યુ. સિંહની દલીલના જવાબમાં કરી હતી.
સી.યુ. સિંહે કહ્યું હતું કે દિલ્હીમાં ઉંદરોનો પણ આતંક છે, અને કૂતરાઓને હટાવવામાં આવે છે ત્યારે ઉંદરોની સંખ્યા વધી જાય છે. તેમણે ૨૦-૩૦ વર્ષ પહેલા સુરતમાં ફેલાયેલા પ્લેગ તરફ ઈશારો કર્યાે હતો.
આના જવાબમાં જસ્ટિસ મહેતાએ કહ્યું, “જો હળવા અંદાજમાં જોઈએ તો, કૂતરા અને બિલાડી દુશ્મન છે. એવામાં આપણે બિલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તે ઉંદરોને ખાઈ જાય છે.” જોકે, જસ્ટિસ મહેતાએ એ પણ ઉમેર્યું કે કૂતરાઓને શેરીઓમાંથી મનસ્વી રીતે હટાવી શકાય નહીં, તેમને નિયમો મુજબ જ હટાવી શકાય છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આવતીકાલે પણ ચાલુ રહેશે.SS1MS
