Western Times News

Gujarati News

લગ્નજીવનમાં મતભેદ વચ્ચે પત્નીને ગર્ભ રાખવા મજબૂર ન કરી શકાયઃ દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી, લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં કોઈપણ મહિલાને ગર્ભ રાખવા માટે મજબૂર કરી શકાય નહીં તેમ દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે સેશન્સ કોર્ટના ચુકાદાને પલટતા એક નિર્ણયમાં જણાવ્યું હતું. કોર્ટે આને મહિલાની શારીરિક ગરિમાનું ઉલ્લંઘન તથા માનસિક આઘાતને પ્રોત્સાહિત કરનારું ગણાવ્યું હતું.

આ મામલે પતિથી અલગ રહેતી પત્ની, જેણે ૧૪ અઠવાડિયાના ગર્ભનો તબીબી રીતે ગર્ભપાત કરાવતા, તેને કોર્ટે ફોજદારી કેસમાંથી મુક્ત કરી હતી.દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે, લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં એક મહિલાને ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે મજબૂર કરવી તે તેની શારીરિક ગરિમાનું ઉલ્લંઘન અને માનસિક આઘાતને પ્રોત્સાહન સમાન છે.

જસ્ટિસ નીના બંસલ ક્રિષ્નાએ મહિલાના સ્વાયત્ત અધિકારોને ટાંકીને ભારપૂર્વક જણાવ્યું કે, અરજદાર પત્નીને આઈપીસીની કલમ ૩૧૨ (ગર્ભપાત કરાવવા) બદલ દોષી ઠેરવી શકાય નહીં. જજના મતે પ્રજનન પર નિયંત્રણ એ સૌ મહિલાઓનો મૂળભૂત અધિકાર છે.

કોર્ટના મતે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ હેઠળ ગર્ભવતી મહિલાને ગર્ભપાત માટે પતિની મંજૂરી લેવી ફરજિયાત નથી. આ કાયદાનો મૂળ ઉદ્દેશ મહિલાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતા નુકસાનને રોકવાનો છે.

જો મહિલા ગર્ભને યથાવત્ રાખવા નથી ઈચ્છતિ તો તેને ફરજ પાડી શકાય નહીં તેમ હાઈકોર્ટે ૬ જાન્યુઆરીએ જાહેર કરેલા હુકમમાં ટાંક્યું હતું. દિલ્હી હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં લગ્નજીવનમાં મતભેદની સ્થિતિમાં મહિલાને ગર્ભપાત કરવાના અધિકારને મંજૂરી આપી છે.

એમટીપી કાયદાની કલમ ૩માં રહેલા નિયમોના ઉલ્લેખને લીધે એવું ના કહી શકાય કે અરજદારે આઈપીસીની કલમ ૩૧૨ હેઠળ કોઈ ગુનો આચર્યાે છે. પતિએ એવો તર્ક રજૂ કર્યાે હતો કે ગર્ભપાતની તારીખ વખતે બન્ને સાથે રહી રહ્યા હતા. તેમના વચ્ચે કોઈ મતભેદ નહતો, જેથી એમટીપી કાયદાની કલમ લાગુ ના થઈ શકે. કોર્ટે લગ્નજીવનમાં મતભેદને આ રીતે વ્યાખ્યાયીત ના કરી શકાય તેમ ટાંકીને તર્કને ફગાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.