સાયબર ઠગે ગાંધીનગરના નિવૃત્ત પ્રોફેસરને ૧૧ લાખનો ચૂનો ચોપડ્યો
ગાંધીનગર, સાયબર ચીટરોએ ગાંધીનગરના નિવૃત્ત પ્રોફેસરને રૂપિયા ૧૧.૮૯ લાખનો ચૂનો ચોપડ્યો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગઠિયા ટોળકીએ બેંક ખાતું ખાલી કરી પુરાવાનો નાશ કરવા મોબાઈલ ફોર્મેટ કરી દીધો હતો. સરગાસણમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર સાયબર ઠગાઈના હાઈટેક ળોડનો શિકાર બન્યા છે. વડોદરાથી સરગાસણ રહેવા આવેલા નિવૃત્ત પ્રોફેસર ડૉ. નિલાંબર દેવતા (ઉં-૭૦)ને ઇસ્ટાગ્રામ પર પેન્શનર્સ કાર્ડની લિંક પર ક્લિક કરતા લાખો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે.
ડૉ. નિલાંબર ગત ૨૪ નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બેંક ઓફ બરોડાના પેન્શનર્સ કાર્ડની જાહેરાત દેખાતા તેમણે તેના પર ક્લિક કર્યું હતું. જેમાં ‘મેન્ડેટરી ફોર ઓલ એમ્પ્લોઈઝ’ લખેલું હોવાથી તેમણે તેના પર ક્લિક કર્યું હતું.
લિંક ખુલતા જ તેમાં એકાઉન્ટ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર માંગવામાં આવ્યો હતો. આ વિગતો ભર્યાના બીજા દિવસે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ત્યારે સામેથી શખ્સે પોતે બેંક ઓફ બરોડાની અલકાપુરી બ્રાન્ચથી બોલે છે તેમ કહી વિશ્વાસ જીત્યો હતો. તેણે વોટ્સએપ કોલ દ્વારા ડૉ. દેવતાને સ્પીકર ફોન પર રાખી કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા જણાવ્યું હતું અને પેન્શનર્સ કાર્ડ ઘરે ડિલીવર કરવાનું બહાનું કરી તેમની પાસે પ્રોસેસ કરાવી હતી.
થોડી વારમાં ડૉ. દેવતાના ખાતામાંથી પ્રથમ રૂપિયા ૯,૪૪,૧૬૦ અને ત્યારબાદ રૂપિયા ૨,૪૫,૦૦૦ ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા. હજી તેઓ કંઈ સમજે તે પહેલાં ચીટરે તેમનો મોબાઈલ ફોન રિમોટથી કંટ્રોલ કરી ફોર્મેટ કરી દેતા કોઈ કોલ હિસ્ટ્રી કે ડેટા બચ્યો ન હતો. આ અંગે પ્રોફેસરે તાત્કાલિક હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ કરતા પ્રાથમિક રીતે ઝારખંડનું પગેરું મળી આવ્યું છે.SS1MS
