ગાંધીનગરમાં ટાઇફોઇડના ૧૪ નવા દર્દી સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો
અમદાવાદ, દૂષિત પાણીના કારણે ગાંધીનગર શહેરના ૬થી વધુ વિસ્તારોમાં વકરી રહેલા ટાઇફોઇડના રોગચાળામાં ગુરૂવારે વધુ ૧૪ નવા કેસ નોંધાયા છે. તેની સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો છે.
દર્દીઓના આ આંકડા મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ખાનગી હોસ્પિટલો અને નાના મોટા દવાખાનાઓમાં હજુ પણ દર્દીઓનો ધસારો હોવાની વાસ્તવિક સ્થિતિ પ્રવર્તે છે.
જ્યારે હજુ પણ રોગચાળાગ્રસ્ત વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પણ દૂષિત પાણીની ફરિયાદો યથાવત છે. તે ઉપરાંત પાણી અને ગટરની લાઇનના લિકેઝ શોધવામાં તંત્રની ઢીલી નિતી સામે શહેરીજનો આક્રોશ ઠાલવી રહ્યાં છે. ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં સેકટર-૨૪, -૨૬, -૨૮, આદિવાડા અને જીઆઇડીસી વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ ઉપર હજુ સુધી તંત્ર સંપૂર્ણ રીતે કાબુ મેળવી શક્યુ નથી.
જો કે વિવિધ ૮૫ ટીમો દ્રારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. તંત્ર દ્વારા જણાવાયુ છે, કે ગુરૂવારે ટાઇફોઇડના વધુ ૧૪ નવા કેસ નોંધાયા છે તેમજ ૧૮ દર્દીને રજા આપવામાં આવી છે અને હાલના તબક્કે ૮૦ દર્દી સારવાર હેઠળ છે.
સર્વેલન્સની ટીમો દ્રારા અત્યાર સુધીમાં ૬૧૩૮૯થી વધુ ઘરોમાં તથા ૨૬૬૬૨૦ની વસ્તીમાં કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીનુ સુપર કલોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.દહેગામ શહેરમાં ચાર લિકેજ મળી આવતાં આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. દહેગામ આરોગ્ય કચેરી અને દહેગામ સામુહિક કેન્દ્રની વચ્ચે ત્રણ રસ્તા પર જ એક મોટુ ભંગાણ સર્જાયું છે. જેના કારણે અસહ્ય દુર્ગંધ અને ગંદકીનો માહોલ છે.
દહેગામ નગરપાલિકાના પ્રમુખની હાઉસિંગ વસાહતમાં અન્ય બે લિકેજ છે. આ લિકેજ પૂરવાની કવાયતત હાથ ધરવાની સાથે દહેગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય શાખાની ટીમે ૮૧૭૧ ઘરમાં ૩૨,૬૯૬ લોકોને સર્વેમાં આવરી લીધા છે, જેમાં ટાઈફોઈડના કેસ મળ્યા નથી.
અગમચેતીના ભાગરૂપે પાણીના સેમ્પલ લેવાની સાથે ક્લોરિનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે.મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા પાણીનાં સેમ્પલ લેવામાં આવે છે, તેમ છતાં હજુ પણ દૂષિત પાણીની ફરિયાદો ઉઠી છે.
આદિવાડાના ગ્રામજનો લોકો ગંદુ પાણી પી રહ્યા હોવાનું ગાંધીનગર આમ આદમી પાર્ટીએ જણાવ્યુ છે. ‘આપ’ના નેતા ડો. હાર્દિક તલાટીએ જણાવ્યું કે મ્યુનિ. કમિશનર એવું કહે છે કે અમે પાણીના ૧૦૧૮સેમ્પલ લીધા છે, આ તે પાણી પીવા લાયક છે. આજે મેં આ પાણી ચેક કર્યું, ત્યારે હું કમિશનરને અપીલ કરું છું કે તમે આ પાણી પીને બતાવો. જો તમે બીમાર નહીં પડો તો હું આ તમામ જનતાને આ પાણી પીવા માટે કહીશ.SS1MS
