પાણીપુરીમાં સડેલા બટાકા તથા ગંદા પાણીના ઉપયોગથી આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયું
પ્રતિકાત્મક
પાણીપૂરીનાં પાણી-ચટણી વગેરેનાં નમૂના લેવાની ઝુંબેશ પૂરજોશમાં
જગ-કેરબામાં પાણી ભરી વેચનારાઓએ ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે -ટૂંક સમયમાં નિયમનો અમલ નહીં કરાય તો ધંધાનાં સ્થળોને સીલ મારવામાં આવશે તેમ સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી
(એજન્સી)અમદાવાદ, પાણીપુરી બનાવવામાં સડેલા બટાકા તથા ગંદા પાણીના ઉપયોગથી રાજ્યનું આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયું છે અને આ અંગે સ્થાનિક પ્રશાસન તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. હાલમાં પાણીપુરીની લારીઓ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કેરબામાં પાણી ભરીને વેચનારાઓએ કલોરીનેશન સિસ્ટમ લગાવવાની ફરજિયાત કરવામાં આવી છે.
શહેરમાં પીવાનાં પાણી થકી ફેલાતાં રોગચાળાને ડામવાનાં પ્રયાસોનાં ભાગરૂપે મ્યુનિ. હેલ્થ અને ફૂડ વિભાગે પાણીના કેરબા-જગનો ધંધો કરનારાઓએ તેમનાં ધંધાનાં સ્થળે પાણીને બેક્ટેરીયા મુક્ત બનાવવા માટે ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે,
અન્યથા તેમનાં ધંધાનાં સ્થળને સીલ મારી દેવાશે.મ્યુનિ. સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન દેવાંગભાઇ દાણીની ઉપસ્થિતિમાં ડે.કમિશનર ભરતભાઇ પરમાર તથા હેલ્થ ઓફિસર ભાવિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાણીનાં જગ-કેરબાનાં ધંધાર્થીઓ સાથે ઝોનવાઇઝ બેઠક યોજવામાં આવી હતી,
જેમાં અમુક ધંધાર્થીઓએ તેમનાં આરઓ પ્લાન્ટમાં ક્લોરીનેશન સિસ્ટમ હોવાનુ જણાવ્યું હતું. જે જગ્યાએ ક્લોરીનેશન સિસ્ટમ નથી તેમને ક્લોરીન મિક્સ કરતાં ડોઝર મશીન લગાવવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં ડોઝર નહિ લગાવાય તો ધંધાનાં સ્થળોને સીલ મારવામાં આવશે
તેમ સ્પષ્ટપણે જણાવી દેવાયું છે.ડો.ભાવિન સોલંકીએ વધુ માહિતી આપતાં કહ્યું કે, પાણીજન્ય રોગચાળાને ડામવા માટે પાણીપૂરીની લારીઓ અને સ્ટોલ ખાતેથી પાણી સહિતની ચીજવસ્તુનાં નમૂના લેવાની ઝુંબેશ જારી રાખવામાં આવી હતી અને કુલ ૭૫૬ નમૂના લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
