‘સત્યા ગેંગ’ની વટવા GIDCમાં દાદાગીરી, ભાડાના વિવાદમાં પિતા-પુત્ર પર હુમલો
AI Image
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગેંગવાર અને અસામાજિક તત્વોનો ફફડાટ જોવા મળી રહ્યો છે. અમરાઈવાડીની કુખ્યાત ‘સત્યા ગેંગ’ એ હવે વટવા જીઆઈડીસી અને હાથીજણ વિસ્તારમાં પોતાનો આતંક ફેલાવ્યો છે. કમ્પ્યૂટર ક્લાસ ચલાવતા એક નિર્દોષ યુવક અને તેના પિતા પર ગત રાત્રિના સમયે જીવલેણ હુમલો કરી આ ગેંગે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડ્યાં છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ભોગ બનનાર યુવક અને તેના પિતાએ થોડા મહિનાઓ પહેલા સત્યા નામના શખ્સની દુકાન કમ્પ્યૂટર ક્લાસ ચલાવવા માટે ભાડે રાખી હતી.
દુકાન જર્જરિત હોવાથી ભાડુઆતે તેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી સમારકામ કરાવ્યું હતું. આ ખર્ચની રકમ ભાડા પેટે મજરે (સરભર) કરવાનું કહેતા મકાનમાલિક સત્યા અને ભાડુઆત વચ્ચે મામલો બિચક્યો હતો. આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે થોડા સમય પહેલા સત્યાના અડ્ડા પર પોલીસે વિદેશી દારૂ અંગે રેડ કરી હતી. સત્યાને શંકા હતી કે આ બાતમી કમ્પ્યૂટર ક્લાસ ચલાવતા યુવકે આપી છે.
આ જૂની અદાવત અને ભાડાના વિવાદનો ખાર રાખીને ગઈકાલે મોડી રાત્રે સત્યા તેના ભાઈ અને અન્ય સાગરિતો સાથે હાથીજણ વિસ્તારમાં આવેલા યુવકના ફ્લેટ પર તૂટી પડ્યા હતા. અને માર માર્યો હતો. હુમલાખોરો લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સજ્જ થઈને આવ્યા હતા.
તેઓએ યુવકના પિતા પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. ફ્લેટની નીચે આવેલી દુકાનોનાં સીસીટીવી કૅમેરામાં આ આખી ઘટના કેદ થઈ ગઈ છે, જેમાં ગેંગના સાગરિતો ખુલ્લેઆમ આતંક મચાવતા જોઈ શકાય છે. આટલી ગંભીર ઘટના હોવા છતાં, સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પીડિત પરિવારે સવાલો ઉઠાવ્યા છે.
