Western Times News

Gujarati News

ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો

ભારત કોઈ પણ દેશથી ઓઈલ ખરીદવા માટે સ્વતંત્ર છે. અમે ૧૪૦ કરોડ લોકોની ઉર્જાની જરૂરિયાત સાથે કોઈ બાંધછોડ કરીશું નહીં. -પીએમ મોદી

ટ્રમ્પ વચ્ચે ૨૦૨૫માં ૮ વખત ટેલિફોનિક વાતચીત થઈઃ વિદેશ મંત્રાલય

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતને ધમકી આપી રહ્યા છે. સાથે સાથે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વાટાઘાટો છતાં હજુ સુધી ટ્રેડ ડીલ થઈ નથી.

એવામાં અમેરિકાએ હવે ૫૦૦ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. જેના ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે કે ભારતની ઉર્જાનીતિ કોઈના દબાણમાં બદલાશે નહીં. અમે ૧૪૦ કરોડ લોકોના હિત માટે સસ્તા ઈંધણના સ્ત્રોત શોધતા રહીશું. આ સિવાય ભારતે બાંગ્લાદેશ અને ચીન મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો છે.

અમેરિકામાં આવતા અઠવાડિયે નવું બિલ લાવવાની તૈયારી છે. જેમાં રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લગાવવાની જોગવાઈ છે. જે મુદ્દે ભારતે કહ્યું છે કે આ બિલ પર અમે નજર રાખી રહ્યા છે. અમારી ઉર્જા ખરીદીની નીતિ પહેલેથી જ સ્પષ્ટ છે. અમે ગ્લોબલ માર્કેટમાં ઉતાર ચઢાવ તથા અમારી જરૂરિયાત પ્રમાણે નિર્ણય લઈએ છીએ. ભારત કોઈ પણ દેશથી ઓઈલ ખરીદવા માટે સ્વતંત્ર છે. અમે ૧૪૦ કરોડ લોકોની ઉર્જાની જરૂરિયાત સાથે કોઈ બાંધછોડ કરીશું નહીં.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું, કે અમેરિકા તરફથી આપવામાં આવી રહેલી જાણકારી ‘સ્પષ્ટ’ નથી. ભારત અને અમેરિકા વચ્ચે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫થી ગંભીર વાટાઘાટો ચાલી રહી છે. અમે આજે પણ એવી ડીલ માટે તૈયાર છીએ જેનાથી બંને દેશોને લાભ થાય. અમે એક સંતુલિત ટ્રેડ ડીલ માટે સતત મહેનત કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે, કે વર્ષ ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ વચ્ચે ૮ વખત ટેલિફોનિક વાતચીત થઈ છે.

નોંધનીય છે કે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ હાલમાં જ કહ્યું હતું, કે અમેરિકા ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે તૈયાર હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો. જેના કારણે ડીલ થઈ શકી નહીં. આ સિવાય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ અંગે પણ મોટું નિવેદન આપ્યું. વિદેશ મંત્રાલયે કહ્યું, કે બાંગ્લાદેશ સરકાર લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાના કેસમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ.

બાંગ્લાદેશમાં લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાની ભાવના વધી રહી છે. સાંપ્રદાયિક ઘટનાઓને રોકવી તે ત્યાંના તંત્રની જવાબદારી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં શકસગામ ખીણમાં ચીન દ્વારા થઈ રહેલા નિર્માણકાર્ય સામે પણ ભારતે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે આ સંપૂર્ણ વિસ્તાર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે ૧૯૬૩માં થયેલો કરાર ગેરકાયદે છે.

ભારતે ક્યારેય આ કરારને માન્યતા નથી આપી. જમ્મુ કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે. ચીન અને પાકિસ્તાનને આ વાતથી વારંવાર જણાવવામાં આવી છે. ભારતની જમીન પર પાકિસ્તાન ગેરકાયદે કબજો કર્યો છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો વિદેશ હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી. અમેરિકાએ હાલમાં જ રશિયાનું એક જહાજ સીઝ કર્યું છે. જેના પર ૩ ભારતીયો પણ સવાર હોવાના અહેવાલ અંગે વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે, કે અમે સતત નજર રાખી રહ્યા છે.

અમેરિકાના મિનેપોલિસમાં ઈમિગ્રેશન અધિકારી દ્વારા મહિલા પર ફાયરિંગ કરવા મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલ્સ રહેતા હોવાથી અમે સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ.

આટલું જ નહીં વિદેશ મંત્રાલયે ઈરાન, ગ્રીનલેન્ડ મામલે પણ ટિપ્પણી કરતાં કહ્યું, કે અમે નજર રાખી રહ્યા છીએ. સોમાલિયા અંગે પણ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે સોમાલિયા સાથે ભારતના જૂના સંબંધો રહ્યા છે. સોમાલિયાના સાર્વભૌમત્વની રક્ષા થવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.