વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર
વોશિંગ્ટન, રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે, એક નવા કંટ્રોલ્ડ ફ્રેમવર્ક હેઠળ ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદી શકશે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયંત્રણ હેઠળ રહેશે.
અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઇટે વેનેઝુએલાના ઓઇલ ટ્રેડ અંગેની નવી નીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, વેનેઝુએલાનું ઓઇલ હવે ફરીથી વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયમો અને દેખરેખ હેઠળ રહેશે. આ નવી વ્યવસ્થા મુજબ, ઓઇલના વેચાણથી પ્રાપ્ત થતી તમામ આવક અમેરિકા નિયંત્રણમાં રહેશે, જેથી નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ અંકુશ રાખી શકાય.
અમેરિકાના ઊર્જા મંત્રીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, આ ભંડોળનો મુખ્ય હેતુ વેનેઝુએલામાં ભ્રષ્ટાચાર અટકાવવાનો છે, અમેરિકા સુનિશ્ચિત કરશે કે આ પૈસા ત્યાંની સરકારને બદલે સીધા સામાન્ય જનતાના કલ્યાણ અને પાયાની જરૂરિયાતો માટે વાપરવામાં આવે.
આ ફ્રેમવર્કનું પાલન કરાવવા માટે અમેરિકાએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ જહાજ આ નિર્ધારિત નિયમોની બહાર જઈને ઓઇલનું પરિવહન કરશે, તો તેની સામે જપ્તી અને લશ્કરી કાર્યવાહી જેવા આકરાં પગલાં લેવામાં આવશે. ભારત અને વેનેઝુએલા વચ્ચે ઓઇલ ટ્રેડનું પુનઃસ્થાપન ભારતની ઊર્જા સુરક્ષા માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થશે.
