૨૬ વર્ષમાં પહેલી વાર આ વખતનું સામાન્ય બજેટ રવિવારે રજૂ થશે
File Photo
(એજન્સી)નવી દિલ્હી, આ વર્ષે સંસદનું બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીથી શરૂ થવાની ધારણા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત નવમી વખત બજેટ રજૂ કરશે. મળતી માહિતી મુજબ, આ વખતે બજેટ ૧ ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ કરવામાં આવશે.
સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા સંભવિત કાર્યક્રમનો ઉલ્લેખ કરતા અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ૨૮ જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. નવા વર્ષના પ્રથમ સત્રના પહેલા દિવસે પરંપરાગત રીતે રાષ્ટ્રપતિનું ભાષણ હોય છે. જો કે, બીટિંગ રિટ્રીટ સમારોહને કારણે ૨૯ જાન્યુઆરીએ બંને ગૃહોની બેઠક નહીં મળે.
૩૦ જાન્યુઆરીએ સંસદ ફરી મળશે, જ્યારે આર્થિક સર્વે રજૂ થવાની ધારણા છે. આ પછી, લોકસભા અને રાજ્યસભા ૩૧ જાન્યુઆરીએ મળશે નહીં. કેન્દ્રીય બજેટ રવિવાર, ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ ૧૩ ફેબ્રુઆરીએ સંસદ લગભગ એક મહિનાના વિરામ માટે સ્થગિત કરવામાં આવશે.
સંસદ ૦૯ માર્ચે ફરી શરૂ થશે અને સેશન ગુરુવાર, ૦૨ એપ્રિલે સમાપ્ત થશે. અધિકારીઓએ જણાવ્યું કે, સામાન્ય રીતે સંસદનું સત્ર શુક્રવારે સ્થગિત થાય છે પરંતુ ૩ એપ્રિલે ગુડ ફ્રાઇ-ડે અને ત્યારબાદના વિકેન્ડને ધ્યાનમાં રાખીને સત્ર ૨ એપ્રિલે પૂર્ણ થઈ શકે છે.
