ઉતરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂઃ પતંગ–દોરાના ભાવ આસમાને
“વેલકમ ૨૦૨૬”, “પુષ્પા”, “ઓપરેશન સિંદૂર” અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ પર્વ બાળકો, યુવાઓથી લઈને તમામ વયના લોકો માટે ઉત્સાહ અને આનંદનો તહેવાર છે. આ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહેતા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ઉતરાયણની તૈયારીઓ ધીમે ધીમે તેજ બની રહી છે. પતંગ અને દોરાના શોખીનો માટે બજારો વેપારીઓ દ્વારા સજ્જ કરી દેવામાં આવ્યા છે.
આ વર્ષે બજારમાં ચીલ, ખંભાતી, પંજાબી તેમજ “વેલકમ ૨૦૨૬”, “પુષ્પા”, “ઓપરેશન સિંદૂર” અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. બીજી તરફ દોરાની વાત કરીએ તો સુરતી માંજો, બરેલી, સાંઈ માંજો સહિત વિવિધ નવીન બ્રાન્ડના પતંગ દોરા બજારમાં ઉપલબ્ધ થયા છે.
વેપારીઓએ દુકાનો ભલે સજ્જ કરી દીધી હોય, પરંતુ હજી સુધી અપેક્ષા મુજબ ઘરાકી ન નીકળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ મોંઘવારીના કારણે આ વર્ષે પતંગ અને દોરાના ભાવમાં અંદાજે ૨૦ થી ૩૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.
હાલ બજારમાં મંદીનો માહોલ હોવા છતાં, ઉતરાયણ નજીક આવતા ઘરાકી વધશે અને લોકો તહેવાર મન ભરીને ઉજવશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ગોધરામાં ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહેતા ઘરોમાં તલની ચિક્કી, તલના લાડુ, શીંગ ચિક્કી અને મમરાના લાડુ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાથે સાથે ઊંધિયું અને જલેબી જેવી વાનગીઓની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બીજી તરફ શહેરમાં નાના છૂટક વ્યવસાય કરતા ગરીબ લોકો વિવિધ પ્રકારના બલૂન તૈયાર કરી રોડ પર વેચાણ માટે બેસતા નજરે પડી રહ્યા છે. ગોધરા શહેરમાં પોલીસ વિભાગ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતરાયણ પર્વ સુરક્ષા, સલામતી અને સાવચેતીપૂર્વક ઉજવવા જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
રેલવે પ્રશાસન દ્વારા રેલવે ટ્રેક નજીક તેમજ ઇલેક્ટ્રિક તાર અને વાયર પાસે પતંગ ન ચગાવવા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. ઉતરાયણ દરમિયાન બોર, ચિક્કી અને શેરડીની માંગ વધતી હોવાથી તેની આવક અને વેચાણ માટે પણ વેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે.
