ગુજરાતને કેન્દ્રની ભેટ: ૪૧ માર્ગ પરિયોજનાઓ માટે ૧,૦૭૮ કરોડ મંજૂર, ૫૬૪ કિમીના રસ્તાઓનો થશે કાયાકલ્પ
પ્રતિકાત્મક
ગાંધીનગર, ગુજરાતના માર્ગ અને મકાન ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૪૧ જેટલા માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ માટે કુલ ₹૧,૦૭૮.૧૩ કરોડની માતબર રકમની મંજૂરી આપી છે. આ તમામ પ્રોજેક્ટ્સ ‘સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ (CRIF) અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે. Rs. 1,078 crore approved from the Central Road Infrastructure Fund for 41 works of roads under the Gujarat State Government
કુલ ૫૬૪ કિલોમીટરની લંબાઈના કામો થશે
આ મંજૂર કરાયેલી રકમ દ્વારા રાજ્યમાં કુલ ૫૬૪.૫૭ કિલોમીટર લાંબા માર્ગોનું નવીનીકરણ અને વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અને મુખ્ય જિલ્લાઓ વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે.
પ્રોજેક્ટની મુખ્ય વિગતો:
-
સ્ટેટ હાઈવેનું વિસ્તરણ: રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૧ સ્ટેટ હાઈવેને પહોળા કરવા માટે ₹૬૩૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ અંતર્ગત અંદાજે ૨૨૯.૨૦ કિમીના માર્ગોને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વધુ સુવિધાજનક બનાવવામાં આવશે.
-
રોડ રિસરફેસિંગ (નવીનીકરણ): ૧૨ જિલ્લાઓના ૨૩ રસ્તાઓના રિસરફેસિંગ માટે ₹૪૦૮.૩૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આશરે ૩૩૫.૩૭ કિમીના રસ્તાઓ પર ડામરકામ અને નવીનીકરણ કરીને વાહનચાલકોની સુવિધામાં વધારો કરાશે.
-
પુલ અને સ્ટ્રક્ચરલ કામો: દક્ષિણ ગુજરાતના આદિવાસી અને ડુંગરાળ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપતા તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં ૭ પુલ અને માળખાગત સ્ટ્રક્ચરના કામો માટે ₹૩૩.૮૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
કયા જિલ્લાઓને થશે મોટો ફાયદો?
આ ફંડિંગથી રાજ્યના વિવિધ ભાગોમાં વિકાસને વેગ મળશે. ખાસ કરીને હાઈવેને પહોળા કરવાથી અને બ્રિજ બનાવવાથી ઔદ્યોગિક પરિવહન તેમજ ખેડૂતો માટે માલ-સામાનની હેરફેર વધુ ઝડપી બનશે. કેન્દ્રના આ નિર્ણયથી ગુજરાતમાં પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે પણ નવી ગતિ આવશે.
