અત્યંત ઘાતક પેરાક્વેટ ઝેરથી અસરગ્રસ્ત 30 વર્ષીય દર્દીનો સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં જીવ બચાવાયો
Dr. Tapan Shah
Ahmedabad, January 10, 2026: અત્યંત ઝેરી અને જીવલેણ જંતુનાશક દવા પૈકીની એક પેરાક્વેટનું સેવન કરનારા સાણંદના 30 વર્ષીય યુવકનો સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે સમયસર અને આધુનિક તબીબી સારવારના કારણે જીવ બચી ગયો છે. Sterling Hospitals Successfully Treats Rare and Fatal Paraquat Poisoning Case, 30 Year Old Man Survives
અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં મળેલી તાત્કાલિક અને નિષ્ણાત સારવારથી આ ગંભીર હાલતમાં પણ દર્દીને નવજીવન મળ્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ કેસ અતિ ગંભીર હતો અને સમયસર જો સારવાર ન મળી હોત તો તેનું મૃત્યુ પણ નીપજ્યું હોઈ શક્યું હોત.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદના ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ ડો. તપન શાહે જણાવ્યું હતું કે, પેરાક્વેટ સૌથી જીવલેણ ઝેર પૈકી એક છે. તેની નાની માત્રા પણ શરીરના મહત્વના અંગોને અપરિવર્તનીય નુકસાન પહોંચાડી શકે છે. એકવાર શરીરમાં પ્રવેશ કર્યા બાદ તે ઝડપી ગતિએ લીવર, કિડની અને ફેફસાંને અસર કરે છે અને ઘણી વખત મલ્ટી-ઓર્ગન ફેલ્યર તરફ લઈ જાય છે. આવા કેસોમાં બચવાની શક્યતા બહુ જ ઓછી હોય છે.
સાણંદનો રહેવાસી આ દર્દી અત્યંત ગંભીર હાલતમાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. પેરાક્વેટ ઝેરની ઊંચી ઘાતકતાને કારણે બે-ત્રણ હોસ્પિટલો દ્વારા તેને દાખલ કરવાની પણ ના પાડવામાં આવી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ પહોંચતા સુધીમાં તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી અને સારવારમાં થોડા પણ વિલંબ માટે અવકાશ નહોતો.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડિરેક્ટર – નેફ્રોલોજી, ડો. સોનલ દલાલે જણાવ્યું કે,અમે તરત જ આ દર્દીની સારવાર શરૂ કરી અને હેમોપર્ફ્યુઝન જેવી અદ્યતન ડાયાલિસિસ આધારિત સારવાર શરૂ કરી, જેના દ્વારા ઝેરને સીધું લોહીમાંથી દૂર કરવામાં આવે છે. અમારું પ્રથમ લક્ષ્ય વધારે પ્રમાણમાં શરીરના અંગોને નુકસાન ન થાય તે પહેલાં શરીરમાંથી ઝેર દૂર કરવાનું હતું, ત્યારબાદ કડક દેખરેખ હેઠળ સપોર્ટિવ કેર આપવામાં આવી હતી.
જોકે સમયસર આપવામાં આવેલી સારવાર અસરકારક સાબિત થઈ. સાતથી આઠ દિવસમાં દર્દીની સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. અંગોની કાર્યક્ષમતા સ્થિર થઈ, શરીરમાં શક્તિ પરત આવી અને થોડા સમયમાં જ તે પહેલાની માફક હરવા ફરવા લાગ્યો અને સામાન્ય દિવસોમાં જે રીતે ખાતો હતો તે રીતે ભોજન લેવા લાગ્યો. આજે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાની રૂટિન લાઈફમાં પરત ફરી ગયો છે.
આ કેસ પર પ્રતિભાવ આપતાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સના MD અને CEO સંતોષ મરાઠેએ જણાવ્યું,આ ઘટના એ સાબિત કરે છે કે સમયસર નિર્ણય, તબીબી નિષ્ણાતોની નિરંતર દેખરેખ અને મજબૂત સંકલ્પ એકસાથે આવે ત્યારે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં પણ દર્દીનું જીવન બચાવી શકાય છે. પેરાક્વેટ જેવી દુર્લભ અને અત્યંત ઘાતક ઝેરની સારવાર માટે ઝડપી ક્લિનિકલ નિર્ણય, અદ્યતન તબીબી સુવિધાઓ અને ટીમવર્ક અનિવાર્ય છે. અમારા ડોક્ટરો અને કેરગિવર્સે કુશળતા, કરુણા અને દ્રઢ નિશ્ચય સાથે દર્દીની સારવાર કરી છે, જેના માટે મને અત્યંત ગૌરવ છે. આ ઘટના સ્ટર્લિંગ હોસ્પિટલ્સની પડકારજનક તબીબી ઇમર્જન્સીમાં પણ આશા પહોંચાડવાની પ્રતિબદ્ધતાને ફરીથી મજબૂત કરે છે.
ડો. તપન શાહે ડો. હર્ષ મણિયાર સાથે મળીને જણાવ્યું કે ઝેરના કેસોમાં ગભરાઈ જવું પણ ઘણીવાર કિંમતી સમય ગુમાવવાનું કારણ બને છે, જે દર્દીના સાજા થવાની શક્યતાઓ પર ગંભીર રીતે અસર કરી શકે છે. તેમણે ઉમેર્યું કે પેરાક્વેટ જેવી અત્યંત ઘાતક ઝેરની સ્થિતિમાં પણ વહેલી ઓળખ અને ઝડપી સારવારથી બચવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.
સ્વસ્થ થયા બાદ પોતાનો અનુભવ શેર કરતાં દર્દીએ જણાવ્યું કે સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં તેને ઉત્તમ સારવાર મળી. તેણે કહ્યું કે તેની વોમિટિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, નબળાઈ દૂર થઈ ગઈ છે તથા હવે તે આરામથી ખાઈ-પી શકે છે તથા હરી ફરી શકે છે. તેની ભૂખ પણ સુધરી ગઈ છે અને હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે.
આ કેસની સફળતા એ દર્શાવે છે કે જીવનને જોખમમાં મૂકતા ઝેરના ઇમર્જન્સી કેસોમાં સમયસર મેડિકલ સપોર્ટ, અદ્યતન સારવાર સુવિધાઓ અને અનુભવી તબીબી ટીમનું મહત્વ ઘણું વધારે છે. જો સમયસર એ મળી જાય તો દર્દીનો જીવ બચવાની સંભાવનાઓ વધી જાય છે.
