ટ્રમ્પની ટેરિફની કાયદેસરતા અંગે US સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિલંબ
હવે ૧૪ જાન્યુઆરીએ ચુકાદો આવવાની શક્યતા
ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી પાવર એક્ટ , ૧૯૭૭ હેઠળની પ્રેસિડન્ટની સત્તાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર ટેરિફ લાદી છે
વોશિંગ્ટન,અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર લાદેલી ટેરિફની કાયદેસરતા અંગે યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં વિલંબ થયો છે. અમેરિકાની સર્વાેચ્ચ અદાલત આ હાઇ પ્રોફાઇલ કેસમાં શુક્રવારે ચુકાદો આપવાની હતી, પરંતુ હવે ૧૪ જાન્યુઆરીએ ચુકાદો આપે તેવી શક્યતા છે. આ ચુકાદાથી અમેરિકાના અર્થતંત્ર ઉપરાંત વિશ્વભરના દેશોને અસર થશે.
ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી પાવર એક્ટ , ૧૯૭૭ હેઠળની પ્રેસિડન્ટની સત્તાનો ઉપયોગ કરીને ઘણા દેશો પર ટેરિફ લાદી છે. નેશનલ ઇમર્જન્સીના બહાને ટ્રમ્પને આવી ટેરિફ લાદવાની સત્તા છે કે નહીં તેની કોર્ટમાં ચકાસણી થશે. ટ્રમ્પે સતત વેપાર ખાધને ટાંકીને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને અમેરિકાના લગભગ દરેક વેપાર ભાગીદાર દેશો પર ટેરિફ લાદેલી છે. તેમણે આ જ કાયદાનો ઉપયોગ કરીને ચીન, કેનેડા અને મેક્સિકો પર પણ ડ્યૂટી લાદી છે. જોકે તે માટે ફેન્ટાનાઇલની હેરાફેરી અને દેશમાં ગેરકાયદેસર ડ્રગ્સના સપ્લાયનું કારણ આપ્યું છે.
અગાઉ ૫ નવેમ્બરે થયેલી સુનાવણીમાં ન્યાયાધીશોએ આ કાયદાને વ્યાપક વેપાર નીતિ માટે લાગુ કરી શકાય કે નહીં તે અંગે આશંકા વ્યક્ત કરી હતી. તેનાથી ટેરિફની ટેરિફની કાયદેસરતા અંગે સવાલો ઉભા થયા છે. નીચલી અદાલતોએ પહેલાથી જ ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્રે સત્તાની ઉપરવટ જઈને ટેરિફ લાદી છે. નીચલી અદાલતોના ચુકાદા સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
ટ્રમ્પે ટેરિફનો બચાવ કરીને દલીલ કરી છે કે તેનાથી યુએસ અર્થતંત્ર મજબૂત થયું છે. આની સાથે ટ્રમ્પે ચેતવણી પણ આપી છે કે તેમની ટેરિફ રદ કરવામાં આવશે તો અમેરિકાને મોટો ફટકો પડશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય જાહેર ન કરતાં ટેરિફને લગતી કાનૂની અનિશ્ચિતતા હાલ પૂરતી ચાલુ રહી છે.ss1
