દેશનાં ૪૪ ટકા શહેરોમાં હવા પ્રદૂષણ અત્યંત જોખમી, વાહનો, ફેકટરીઓ જવાબદારઃ રિપોર્ટ
AI Image
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે દર વર્ષે ૧,૭૮૭ શહેરોમાં પીએમ ૨.૫નું સ્તર નિર્ધારિત મર્યાદાથી વધુ રહ્યું હતું
નવી દિલ્હી,દેશના ૪૪ ટકા શહેરોમાં લાંબા સમયથી વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી હોવાનું એક રિપોર્ટમાં જણાયું છે. ભારતના લગભગ અડધો અડધ જેટલા શહેરોમાં લાંબા સમયથી લોકો વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ)એ સેટેલાઈટ ડેટાની મદદથી દેશના ૪,૦૪૧ શહેરોમાં PM ૨.૫ પ્રદૂષણને લઈને સંશોધન કર્યું હતું. આ રિપોર્ટ મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ અને મેઘાલયનું બર્નીહાટ દેશના સૌથી પ્રદૂષિત શહેરો જણાયા હતા.
આ શહેરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ એક-બે દિવસ પૂરતી નહીં પરંતુ સમગ્ર વર્ષ સુધી રહેતી હોવાનું જણાયું હતું. પ્રદૂષણના મુખ્ય કારણોમાં વાહનો, ફેક્ટરીઓ તથા અન્ય માધ્યમો દ્વારા ફેલાવાતું પ્રદૂષણ રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે દર વર્ષે ૧,૭૮૭ શહેરોમાંPM ૨.૫નું સ્તર નિર્ધારિત મર્યાદાથી વધુ રહ્યું હતું. આ સર્વેમાં કોરોના (વર્ષ ૨૦૨૦)નો ડેટા નથી લેવાયો. ૨૦૨૫ના ડેટા મુજબ મેઘાલયનું બર્નીહાટ સૌથી પ્રદૂષિત શહેર રહ્યું હતું. અહીં PM ૨.૫ સરેરાશ ૧૦૦ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું.
નવી દિલ્હી (૯૬) અને ગાઝિયાબાદ (૯૩) અનુક્રમે છે. નોઈડા ચોથા ક્રમે છે. ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં ગુરુગ્રામ, ગ્રેટર નોઈડા, ભિવાડી, હાજીપુર, મુઝફ્ફરનગર અને હાપુડનો સમાવેશ થાય છે. સરકારે પ્રદૂષણ ઘટાડવા ૨૦૧૯માં રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ (એનસીએપી)નો પ્રારંભ કર્યાે હતો. પરંતુ સાત વર્ષ બાદ પણ દેશના ૧૩૦ શહેરો એનસીએપીના દાયરામાં છે. જેમાં ૧,૭૮૭ પૈકીના ફક્ત ૬૭ શહેરો જ આમાં સામેલ છે.
આ રીતે ભારતના ચાર ટકા શહેરોને જ એનસીએપીમાં આવરી શકાયા છે. એસીએપીમાં સામેલ ૨૮ શહેરોમાં હજી સુધી સતત હવાની ગુણવત્તાની ચકાસણી માટેના સ્ટેશન (સીએએક્યુએમએસ) સ્થાપવામાં નથી આવ્યા. જે ૧૦૨ શહેરોમાં આ પ્રકારના સ્ટેશનો છે તે પૈકી ૧૦૦ શહેરોમાં પીએમ૧૦નું સ્તર ૮૦ ટકા અથવા તેનાથી વધુ નોંધાયું છે. દિલ્હીમાં PM૧૦ સૌથી વધુ ૧૯૭ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે.ss1
