રાજકોટના સોની બજારમાં બંગાળી કારીગર ૩૬ લાખનું સોનું ચોરી ફરાર થયો
રાજકોટમાં કામે ચડ્યાના ચાર જ દિવસમાં આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે
રાજકોટ,રાજકોટના સોની બજાર વિસ્તારમાં જૂના પરિચયનો લાભ ઉઠાવી એક બંગાળી કારીગર વેપારીની તિજોરીમાંથી ૩૬ લાખથી વધુ રૂપિયાની કિંમતનું સોનું ચોરીને ફરાર થઈ ગયો છે. સોનાના દાગીના બનાવવાનું કામ કરતા વેપારીએ વિશ્વાસ મૂકીને કારીગરને કામે રાખ્યો હતો પરંતુ તે તકનો લાભ ઉઠાવી પલાયન થઈ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
સોની બજારના દરબારગઢ ચોક પાસે માણેક ગોલ્ડ કાસ્ટિંગ નામનું કારખાનું ધરાવતા કલ્પેશભાઈ મથુરભાઈ કાતરીયાએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના અક્ષય બાઉળી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. કલ્પેશભાઈ અને અક્ષય ૧૨ વર્ષ પહેલા સુરતની એક ફેક્ટરીમાં સાથે નોકરી કરતા હતા. આ જૂના પરિચયના નાતે અક્ષય ૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાજકોટમાં કલ્પેશભાઈ પાસે કામ માગવા આવ્યો હતો. અક્ષયે પોતે રામનાથપરામાં રહેતો હોવાનું જણાવતા કલ્પેશભાઈએ તેને દાગીના બનાવવાની મજૂરી માટે કામે રાખ્યો હતો.
૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ કલ્પેશભાઈ સવારે કારખાનું ખોલીને ઉપરના માળે નાસ્તો કરવા ગયા હતા. ઉતાવળમાં તેઓ તિજોરીની ચાવી તિજોરીમાં જ ભૂલી ગયા હતા. આ દરમિયાન અક્ષય કારખાને આવ્યો હતો અને તિજોરીમાં ચાવી જોઈને ૨૭૦.૨૮૦ ગ્રામ શુદ્ધ સોનું અને ૧૮ કેરેટ સોનાનો ૩૮.૭૪૦ ગ્રામ ભૂકો ચોરી લીધો હતો. જેની કુલ કિંમત ૩૬ લાખથી વધુ રૂપિયા થાય છે.
જ્યારે કલ્પેશભાઈ નીચે આવ્યા ત્યારે કારીગર અક્ષય ગાયબ હતો અને તિજોરીમાં તપાસ કરતા સોનું પણ ગાયબ જણાયું હતું. વેપારીએ તાત્કાલિક અક્ષયના રામનાથપરા સ્થિત નિવાસસ્થાને તપાસ કરી હતી પરંતુ ત્યાં તેને તાળું લટકતું જોવા મળ્યું હતું અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વ્યક્તિગત રીતે શોધખોળ કર્યા બાદ સફળતા ન મળતા અંતે કલ્પેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ss1
