Western Times News

Gujarati News

સોમનાથમાં હાર્દિક દવેએ શિવ સ્તુતિ, શિવ ભજન અને પાનબાઈના ભજનની રંગત જમાવી

સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

​કીર્તિ-કરશન સાગઠિયા અને હાર્દિક દવેની સુરભરી રમઝટ અને રાજભા ગઢવીના સાહિત્યથી  દેશભક્તિ અને શિવભક્તિનો અનોખો માહોલ સર્જાયો

​ અમદાવાદ, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં શુક્રવારે ૯ જાન્યુઆરીની રાતે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્વય સર્જાયો હતો. સાગરની લહેરોની ગર્જના, સોમનાથ મહાદેવની પાવન હાજરી અને સંગીતની સુમધુર સૂરલહેરીઓએ સમગ્ર પરિસરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાથી ભરપૂર બનાવી દીધુ હતું.

આ ભવ્ય સાંસ્કૃતિક સાંજમાં પ્રખ્યાત ગાયક કીર્તિ સાગઠીયા તથા લોકપ્રિય લોકગાયક કરશન સાગઠિયાની જોડીએ મહાદેવના ભાવસભર ભજનો, વિવિધ ગરબા અને લોકપ્રિય ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. સંગીતના તાલ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા અને દરેક રચનાએ ભક્તિ, સંસ્કૃતિ અને લોકભાવનાનો સંગમ સર્જ્યો હતો.

​સાથે જ કલાકાર હાર્દિક દવેએ શિવ સ્તુતિ, શિવ ભજન અને પાનબાઈના ભજનની રંગત જમાવી હતી, જેમાં એકતારાના સૂરે અલગ જ ભક્તિમય માહોલ બાંધ્યો હતો. કાર્યક્રમના અંતમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લોક સાહિત્યના વિવિધ રસની શૈલીમાં રજૂઆત કરી હતી જેને ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને માણી હતી. રાજભા ગઢવીએ સોમનાથના ઐતિહાસિક પ્રસંગો રજૂ કર્યા હતા જેનાથી માહોલમાં શિવભક્તિ અને દેશભક્તિનું અદભૂત સંયોજન જોવા મળ્યું હતું.

સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોએ એક અલૌકિક અનુભૂતિ માણી હતી. સંગીતની સૂરલહેરીઓ સાગરની લહેરોમાં ગૂંજી ઉઠી હતી અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીને વધુ ગૌરવસભર અને સ્મરણિય બનાવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું સુંદર પ્રસ્તુતિકરણ થયું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા ડો.પ્રદુમનભાઈ વાજા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ  બારડ, અગ્રણી શ્રી શિવાભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.