ટ્રમ્પ અને ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર બની ગયું ચીન
File Photo
ટેરિફ-ટેરિફ કરતા રહી ગયા
હાઈ-ટેક ઉત્પાદનોની સાથે સાથે પરંપરાગત ક્ષેત્રોમાં પણ ભારતે ચીની બજારમાં પોતાની પકડ મજબૂત બનાવી
નવી દિલ્હી,વૈશ્વિક વ્યાપારના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ અને કડક વ્યાપારી શરતોને કારણે ભારતીય નિકાસકારો દબાણ હેઠળ છે, તો બીજી તરફ પાડોશી દેશ ચીન ભારત માટે એક મોટું નિકાસ બજાર બનીને ઉભર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ચીન ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ બની ગયું છે.વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ મુજબ, ભારતની નિકાસ વ્યૂહરચનામાં મોટો બદલાવ જોવા મળ્યો છે, જેમાં એપ્રિલથી નવેમ્બરના ગાળા દરમિયાન ચીનમાં ભારતની નિકાસ ૩૩%ના જંગી ઉછાળા સાથે ૧૨.૨૨ અબજ અમેરિકન ડોલર પર પહોંચી ગઈ છે.
આ આંકડો છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ નોંધાયો છે, જે ભારતની મજબૂત થતી વ્યાપારી પકડ દર્શાવે છે. જો અગાઉના વર્ષાે સાથે તુલના કરીએ તો, વર્ષ ૨૦૨૩-૨૪માં આ નિકાસ ૧૦.૨૮ અબજ ડોલર હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫ના સમાન ગાળામાં ઘટીને ૯.૨ અબજ ડોલર થઈ હતી. જોકે, વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં થયેલો આ રેકોર્ડબ્રેક વધારો સૂચવે છે કે ભારતીય ઉત્પાદનોની માંગ ચીની બજારમાં ઝડપથી વધી રહી છે.ભારતની નિકાસ પ્રોફાઇલમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે, જ્યાં હવે ભારત માત્ર કાચો માલ જ નહીં પરંતુ હાઈ-ટેક પ્રોડક્ટ્સ પણ મોટા પાયે ચીન મોકલી રહ્યું છે.
આ બદલાવમાં સૌથી મોટો ઉછાળો ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને ‘પોપ્યુલેટેડ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ’ (PCBs)ની નિકાસમાં અકલ્પનીય પ્રગતિ થઈ છે, તેની નિકાસ ૨.૩૯ કરોડ ડોલરથી સીધી વધીને ૯૨.૨૪ કરોડ ડોલર પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, ફ્લેટ પેનલ ડિસ્પ્લે મોડ્યુલ અને ટેલિફોની સાથે જોડાયેલા અન્ય અત્યાધુનિક ઉપકરણોની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે સાબિત કરે છે કે ભારત હવે વૈશ્વિક બજારમાં ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ઉત્પાદક તરીકે મજબૂત રીતે ઉભરી રહ્યું છે.
હાઈ-ટેક ઉત્પાદનોની સાથે સાથે પરંપરાગત ક્ષેત્રોમાં પણ ભારતે ચીની બજારમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. દરિયાઈ ઉત્પાદનોમાં ખાસ કરીને બ્લેક ટાઇગર પ્રોન્સ અને વન્નામેઈ ઝીંગાની માંગમાં મોટો વધારો જોવા મળ્યો છે. કૃષિ ક્ષેત્રે ભારતની સૂકી મરચી અને તેલીબિયાંના તેલ ખોળની નિકાસમાં પણ નોંધપાત્ર તેજી આવી છે. આ ઉપરાંત, ઔદ્યોગિક કાચા માલ તરીકે એલ્યુમિનિયમ અને રિફાઈન્ડ કોપર બિલેટ્સ જેવા ધાતુ ઉત્પાદનોએ પણ ચીની બજારમાં ભારતનું સ્થાન મજબૂત કર્યું છે.
આ વિવિધતા દર્શાવે છે કે ભારત હવે ચીનને માત્ર આયાત સ્ત્રોત તરીકે નહીં, પરંતુ તેના કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો માટે એક વિશાળ ઉપભોક્તા બજાર તરીકે સફળતાપૂર્વક જોઈ રહ્યું છે.નિષ્ણાતોના મતે, અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા ટેરિફ વધારવાના કારણે ભારતીય નિકાસકારો માટે ત્યાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતિમાં ભારતીય ઉદ્યોગોએ ચીનને એક મજબૂત વિકલ્પ તરીકે જોવાનું શરૂ કર્યું છે. વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ માને છે કે આ કોઈ કામચલાઉ ફેરફાર નથી, પરંતુ ભારત-ચીન વ્યાપાર સંબંધોમાં એક મોટો માળખાગત ફેરફાર છે.ss1
