બગદાણા વિવાદના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
મહુવા કોર્ટમાં એસઆઈટીએ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ માંગ્યા હતા
એસઆઈટી દ્વારા સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ, તેમજ અત્યાર સુધી તપાસમાં રહેલી ત્રુટીઓ શોધવામાં આવી રહી છે
મહુવા,બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ કરવા માટે ગત સોમવારના રોજ રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ હુમલાના આઠેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી ગતરોજ મહુવા કોર્ટમાં કરી હતી. જે બાદ આજે મહુવા કોર્ટ દ્વારા આ બનાવના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બીજ તરફ આ કેસમાં ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના બનાવના પડઘા ગાંધનગર સુધી પડયા છે. બગદાણા પીઆઈથી પ્રારંભ થયેલી આ કેસની તપાસ દરમિયાન પોલીસની ભૂમિકા પર ઉભા થયેલા સવાલો બાદ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ કરવા માટે ધારી એએસપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના ગત સોમવારના રોજ કરવામાં આવી હતી. એસઆઈટી દ્વારા ફરિયાદ, નિવેદનો, મોબાઈલ ડેટા તથા અત્યાર સુધીની તપાસની બે દિવસ સુધી ઝીણવટ ભરી તપાસ કર્યાં બાદ આ બનાવના આઠેય આરોપીઓના સાત દિવસના ફરધર (વધારાના) રિમાન્ડની માંગણી મહુવા કોર્ટમાં ગત રોજ કરવામાં આવી હતી.
જે બાદ મહુવા કોર્ટે આ બનાવના આઠેય આરોપીઓ નાજુ ઢીંગુ કામળીયા, રાજુ દેવાયતભાઈ ભંમર, આતુ ઓઘડભાઈ ભંમર, વિરેન્દ્રસિંહ જયરાજ પરમાર, સતીષ વિજયભાઈ વનાળીયા, ભાવેશ ભગવાનભાઈ છેલણા, પંકજ માવજીભાઈ મેર અને વિરૂ મધુભાઈ છેલડાના સોમવારે સાંજે ૪ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. તેમજ આ મામલે બીએનએસ કલમ ૬૧(૨) ગુનાહિત ષડયંત્ર રચવું અને ૧૨૬ ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
એસઆઈટી દ્વારા સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ, તેમજ અત્યાર સુધી તપાસમાં રહેલી ત્રુટીઓ શોધવામાં આવી રહી છે. આરોપીઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થયાં બાદ આ કેસમાં નવા વળાંકો આવે તો નવાઈ નહી. જોકે હાલ આ મામલે એસઆઈટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.ss1
