Western Times News

Gujarati News

સાણંદ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પરિવારમાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે પિતાને આગળ આવવા આહવાન  -બાળ લગ્ન મુક્ત અને શિક્ષિત સમાજની રચના માટે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાણંદ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006 અંગેના એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાંથી બાળ લગ્નની કુપ્રથાને જડમૂળથી નાબૂદ કરવાનો અને કાયદાકીય જોગવાઈઓથી નાગરિકોને અવગત કરવાનો રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને બાળ લગ્નના કારણે થતા શારીરિક અને માનસિક દુષ્પરિણામો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના પ્રતિનિધિએ બાળ અધિકારોના સંરક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, બાળ લગ્ન એ માત્ર સામાજિક બદી નથી પરંતુ કાયદાકીય ગુનો પણ છે. આ તકે લગ્ન માટેની નિર્ધારિત વયમર્યાદા અને કાયદાનું ઉલ્લંઘન કરનાર સામેની કડક દંડનીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ અવસરે DHEW (District Hub for Empowerment of Women) યોજનાની ટીમ દ્વારા “બાળ લગ્ન સામે પિતા જાગૃત બને (Father Against Child Marriage)”ના સંદેશ સાથે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરિવારમાં પિતાની ભૂમિકાને નિર્ણાયક ગણાવીને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે પિતાઓને આગળ આવવા આહવાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ બાળ લગ્ન મુક્ત અને શિક્ષિત સમાજની રચના માટે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વાલીઓ, યુવક-યુવતીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.