Western Times News

Gujarati News

અમારા હજારો આત્મઘાતી બોમ્બર્સ ગમે ત્યારે હુમલો કરવા તૈયારઃ મસૂદ અઝહર

ઇસ્લામાબાદ, ભારતમાં અનેક આતંકી હુમલા માટે જવાબદાર પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદે ફરી એક વખત ભારત પર હુમલાનું કાવતરુ ઘડયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં જૈશનો વડો મસૂદ અઝહર કહી રહ્યો છે કે મારી પાસે હજારો સુસાઇડ બોમ્બર તૈયાર છે.

ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હાથ ધરીને જૈશના અનેક સ્થળોનો નાશ કર્યાે છે એવા સમયે મસૂદ અઝહર આ સુસાઇડ બોમ્બરના દાવા કરી રહ્યો છે. વાયરલ ઓડિયો ક્લિપમાં મસૂદ અઝહર કહી રહ્યો છે કે તેની પાસે એક, બે કે હજાર નહીં પરંતુ તેનાથી પણ વધુ ફિદાયીન કે આત્મઘાતી હુમલાખોરો છે.

અમારી પાસે કેટલા આત્મઘાતી હુમલાખોરો છે તેનો સાચો આંકડો જાહેર કરીશ તો પુરી દુનિયામાં હાહાકાર મચી જશે. મસૂદ વધુમાં કહે છે કે આ હુમલાખોરોને કોઇ વ્યક્તિગત લાભ, રૂપિયા કે ઇનામ અથવા વીઝા નથી જોઇતા તેઓને માત્ર શહાદત જોઇએ છે. આ હુમલાખોરો આત્મઘાતી હુમલા કરવા માટે ઉત્સાહિત છે.

જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરની ઓડિયો ક્લિપ વાયરલ થઇ જ રહી છે ત્યારે હવે અન્ય એક આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો બીજા નંબરનો ટોચનો કમાન્ડર અને જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસૂરીનો એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં તે પાકિસ્તાની સૈન્ય સાથે પોતાની સાંઠગાંઠ સંબંધોની વાત કરી રહ્યો છે. કસૂરી આ વીડિયોમાં કહી રહ્યો છે કે પાકિસ્તાની સૈન્ય માર્યા ગયેલા સૈનિકોની અંતિમ વિધિમાં ઝનાઝાની નમાઝ પઢવા માટે મને આમંત્રણ આપે છે.

આશ્ચર્યની વાત એ છે કે તોયબાનો આ આતંકી પાકિસ્તાનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભાષણ આપતો જોવા મળ્યો હતો, જે દરમિયાનનો આ વીડિયો હાલ સામે આવ્યો છે. તે વધુમાં કહી રહ્યો છે કે પાકિસ્તાની સૈન્ય મને ઝનાઝાની નમાઝ પઢવા બોલાવે છે, શું તમને ખ્યાલ છે કે ભારત પણ મારાથી ડરે છે? આ આતંકી કસૂરીને હાફિઝ સઇદનો નજીકનો માનવામાં આવે છે. તેણે જે ખુલાસો કર્યાે છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની સૈન્ય અને આતંકી સંગઠનો બન્ને મળીને ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. આતંકીઓ સાથે સંબંધ ન હોવાના પાક. સરકારના દાવાની પણ આ વીડિયોએ પોલ ખોલી નાખી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.