Western Times News

Gujarati News

એક્સે અશ્લીલ કન્ટેન્ટવાળી ૩,૫૦૦થી વધુ પોસ્ટ હટાવી દીધી

નવી દિલ્હી, સોશિયલ મીડિયા કંપની એક્સના એઆઈ ટૂલ ‘ગ્રોક’ દ્વારા બનાવવામાં આવેલી તસવીરોને લઈને ઊભા થયેલા વિવાદમાં કંપનીએ ભારત સરકારની વાત માની લીધી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) મંત્રાલયની નોટિસના જવાબમાં એક્સે લગભગ ૩,૫૦૦થી વધુ અશ્લીલ કન્ટેન્ટવાળી પોસ્ટ હટાવી દીધી છે અને ભારતીય કાયદાઓનું પાલન કરતાં પોતાનો અનુપાલન રિપોર્ટ સરકારને સોંપ્યો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે આ મામલે પોતાની ભૂલ સ્વીકારી છે. કંપનીએ ભારત સરકારને આશ્વાસન આપ્યું છે કે તે હવેથી સંપૂર્ણ રીતે ભારતીય કાયદા અને નિયમોનું પાલન કરશે. આ વિવાદ ત્યારે સામે આવ્યો હતો, જ્યારે એક્સના એઆઈ ટૂલ ‘ગ્રોક’નો ખોટો ઉપયોગ કરીને અશ્લીલ અને અપમાનજનક કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો હતો.

ભારત સરકારના આકરા વલણ બાદ, એક્સે ભારતીય નિયમોનો ભંગ કરતી લગભગ ૩,૫૦૦ પોસ્ટ પ્લેટફોર્મ પરથી દૂર કરી છે તેમજ ૬૦૦થી વધુ એક્સ અકાઉન્ટ (પૂર્વે ટિ્‌વટર) બંધ કર્યા છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં તેના પ્લેટફોર્મ પર અશ્લીલ તસવીરો કે વીડિયો અપલોડ ન થાય તે માટે વધુ કડક પગલાં લેવામાં આવશે.સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે એક્સે સુધારાત્મક પગલાં અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

તેમાં કન્ટેન્ટ મોનિટરિંગ સિસ્ટમ મજબૂત કરવી અને એઆઈ ટૂલના દુરુપયોગને અટકાવવા માટે વધારાના સુરક્ષા ઉપાયો સામેલ છે.એલન મસ્કના એઆઈ ચેટબોટ ‘ગ્રોક’ દ્વારા મહિલાઓની અશ્લીલ, અપમાનજનક અને ચેડાંરૂપ તસવીરો બનાવવામાં આવી રહી હોવાના આક્ષેપો બાદ મામલો ગરમાયો હતો.

આ ચેટબોટ સોશિયલ મીડિયા પર એક વિવાદિત ટ્રેન્ડને કારણે ઝડપથી વાયરલ થયો હતો. ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને તેને મહિલાઓની ગરિમા, સુરક્ષા અને ગોપનીયતા સામેની ગંભીર સમસ્યા ગણાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.