પતંગ લૂંટતી વખતે વીજકરંટ લાગતાં ૧૨ વર્ષીય બાળકનું મોત
ભાવનગર, ભાવનગરના ખોડીયાર નગર વિસ્તારમાં ૧૧ જાન્યુઆરીની સાંજે પતંગ લૂંટવાની લ્હાયમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં અન્ય બે સગીરાઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વીજ તારમાં ફસાયેલી પતંગને લોખંડના સળિયા વડે કાઢવા જતી વખતે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
ઘટનાની વિગતો અનુસાર, શહેરના શીતળા માતાના મંદિર પાસે આવેલા ખોડીયાર નગરમાં કેટલાક બાળકો પતંગ લૂંટી રહ્યા હતા. આ દરમિયાન ૧૨ વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણા વીજ લાઈનમાં ફસાયેલી પતંગ કાઢવા જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
નિકુંજની સાથે હાજર ૧૩ વર્ષીય સેજલ મકવાણા અને ૧૫ વર્ષીય ખુશી મકવાણા પણ વીજ કરંટની અડફેટે આવી ગયા હતા.દુર્ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્રણેય બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ નિકુંજ મકવાણાને મૃત જાહેર કર્યાે હતો, જ્યારે બંને બાળકીઓ હાલમાં તબીબી સારવાર હેઠળ છે.SS1MS
