Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ બન્યો ભારત-જર્મનીની મૈત્રીનું પ્રતીક

અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ : સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત ૫૦ જેટલા દેશોના ૧૦૦૦થી વધુ પતંગબાજોનો જમાવડો

સંગીત અને નૃત્યના અનેરા સંગમથી વડાપ્રધાનશ્રી અને જર્મન ચાન્સેલરને અપાયો વિશિષ્ટ આવકાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી તેમજ જર્મન ચાન્સેલર શ્રી મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી.

ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે. જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે ઊંડાણપૂર્વકની જાણકારી પણ મેળવી હતી. અહીં પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જિવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેને મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના બેડાં રાસ, કુચિપુડી, ભરત નાટ્યમ સહિતની નૃત્યકળા અને મલખમ જેવી પ્રાચીન અંગ કસરત કળા દ્વારા વિશેષ પ્રસ્તુતિના માધ્યમથી બંને દેશના મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.

તદુપરાંત, ગુજરાત-રાજસ્થાનના કુલ ૧૦૮ જેટલાં કલાકારો દ્વારા આ પ્રસંગે સિતાર, સારંગી, વાયોલિન, મેન્ડોલિન, હારમોનિયમ, બાંસુરી, ઢોલક, તબલાં, મૃદંગ સહિતનાં વિવિધ વાદ્યો દ્વારા વંદે માતરમ, વૈષ્ણવજન તેમજ જર્મન ધૂન વગાડીને ભારત અને જર્મનીની મિત્રતાની પ્રતીતિ કરાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત આ રંગબેરંગી આકાશી મહોત્સવમાં આ વર્ષે ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતનાં ૧૩ રાજ્યોના ૬૫ પતંગબાજો પોતાની અવનવા રંગો અને આકારની પતંગો સાથે સામેલ થયા છે. આ જ પ્રકારે, ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો પણ ઉપસ્થિત રહીને કલાનું પ્રદર્શન કરી રહ્યા છે.

આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સ્થાનિક ધારાસભ્યો, મહાપાલિકાના પદાધિકારીઓ, તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા.૧૩મીની સાંજે સંગીત અને રંગોનો અનેરો સમન્વય સર્જાશે

તા ૧૩મી જાન્યુઆરીના રોજ સાંજે ૭-૦૦ વાગ્યે ૧૦૮ કલાકારો દ્વારા ભવ્ય સિમ્ફની પ્રદર્શન અને વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કલા અને સંગીતનો અનુભવ કરાવવામાં આવશે. જેમાં લોકગાયિકા કિંજલ દવે દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે આકાશ રંગબેરંગી રાત્રિ પતંગોથી ઝળહળી ઊઠશે.

મુલાકાતીઓને કરાવાશે ગુજરાતી વ્યંજન અને હસ્તકલાનો પરિચય

આંતરરાષ્ટ્રીય મહોત્સવ જેવા રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતાં આયોજનો થકી સમગ્ર ગુજરાતની ઓળખ વૈશ્વિકસ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન ગંતવ્ય તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. ત્યારે મુલાકાતીઓને ગુજરાતની વ્યંજન અને હસ્તકલાનો પરિચય કરાવવા માટે ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે.

૫૦ જેટલા દેશોના પતંગવીરો આ મહોત્સવમાં કલા પ્રદર્શિત કરી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં અલ્જેરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચિલિ, ચાઇના, કોલંબિયા, કોસ્ટારિકા, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ક્રિશ, ગ્વાટેમાલા, હંગેરી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈઝરાયેલ, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, લેબેનોન, લિથુનિયા, મલેશિયા, મોરેશિયસ, મેક્સિકો, ન્યૂઝિલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેકિયા, સાઉથ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિડન, થાઈલેન્ડ, તુર્કમેનિસ્તાન, યુક્રેન, યુ.કે., યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિયેતનામ, સ્લોમેનિયા, બહેરિન, નેપાળ, મેક્સિકો, તૂર્કી, જોર્ડન સહિતના કુલ ૫૦ જેટલા દેશોના પતંગવીરો ભાગ લઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.