Western Times News

Gujarati News

કાતિલ ઠંડીઃ ગાઢ ધુમ્મસની ઝપેટમાં ઉત્તર ભારત, જનજીવન ખોરવાયું

File Photo

(એજન્સી)નવી દિલ્હી, પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારત અત્યારે ‘કોલ્ડ સ્ટોરેજ’માં ફેરવાઈ ગયું છે. મેદાની વિસ્તારોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજસ્થાનના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૨ ડિગ્રી નોંધાતા બરફની ચાદર છવાઈ ગઈ છે, જ્યારે ઉત્તરાખંડના ઉચ્ચ પહાડી વિસ્તારોમાં તાપમાન માઈનસ ૧૬ ડિગ્રી સુધી ગગડી ગયું છે.

રાજસ્થાનના ફતેહપુર અને નાગૌરમાં પારો શૂન્યથી નીચે જતાં ખેતરોમાં પાક પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુ અને સીકરમાં પાણીની પાઈપલાઈનો જામી હોવાના અહેવાલો છે. બીજી તરફ, ઉત્તરાખંડના આદિ કૈલાશ અને કેદારનાથ ધામમાં તાપમાન માઈનસ ૧૬ ડિગ્રીએ પહોંચતા પાણીના કુદરતી સ્ત્રોતો પણ થીજી ગયા છે.

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડ્‌યો છે. આયા નગરમાં તાપમાન ૨.૯ ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા ૧૩ વર્ષમાં જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન છે.

ગાઢ ધુમ્મસને કારણે પાલમ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને શૂન્યની નજીક પહોંચી ગઈ હતી, જેનાથી ફ્‌લાઈટ અને ટ્રેન વ્યવહારને માઠી અસર થઈ છે. ઉત્તર પ્રદેશના મેરઠ, નોઈડા, ગાઝિયાબાદ અને આગ્રામાં કડાકે કી ઠંડીને જોતા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના ૨૫ જિલ્લાઓમાં વિઝિબિલિટી ૨૦ મીટરથી પણ ઓછી નોંધાઈ છે.

બિહારના ૨૪ જિલ્લાઓમાં ‘કોલ્ડ-ડે’ અને ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટના સહિત અનેક શહેરોમાં પારો ૬ થી ૮ ડિગ્રીની વચ્ચે રહ્યો છે. એમપીના મોટાભાગના જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી રાહત મળવાની કોઈ શક્યતા નથી.

૧૩ જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાની શક્યતા છે. જ્યારે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ રહેશે. તેલંગાણા અને પુડુચેરીમાં ભારે વરસાદનું એલર્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.