ઓઈલના સપ્લાયના મુદ્દે ટ્રમ્પ ભારતને ભીંસમાં લેવા માંગે છે
AI Image
ભારત ૪૦ દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે: ભારતે પોતાની વ્યૂહરચના એવી રીતે બદલી છે કે જેથી ટ્રમ્પ સીધું નુકસાન કરી શકતા નથી
લોકો ઓઈલના ભાવોમાં રસ બતાવતા હતા, પરંતુ ભારત ક્યાંથી ઓઈલ ખરીદે છે તેની દરકાર કોઈ નહોતુ રાખતું, હવે જયારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારતને ઓઈલ સપ્લાય કરતા દેશોનું નાક દબાવવાનું શરૂ કર્યું છે ત્યારથી ભારત કયા દેશ પાસેથી કેટલુ તેલ ખરીદે છે તે જાણવામાં લોકોને એકાએક રસ પડ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ઝૂકાવવા મથે છે, પરંતુ ભારતે પોતાની વ્યૂહરચના એવી રીતે બદલી છે કે જેથી ટ્રમ્પ સીધુ નુકસાન કરી શકતા નથી. એટલેસ્તો ભારતને મળતો ઓઈલનો સપ્લાય મોંઘો થાય તેવા પ્રયાસો ટ્રમ્પ કરી રહ્યા છે.
દેશ આઝાદ થયો પછી ભારતે ઘણા દેશોમાંથી ક્રૂડ ઓઈલ આયાત કર્યું છે, પરંતુ જયારે પણ ભારતે અમેરિકાની બહાર વિકલ્પો પસંદ કર્યા છે ત્યારે પ્રશ્રો, દબાણ અને ચેતવણીઓ વધી છે. ૧૯૪૭ પછી સરકારોએ ઓઈલ જયાંથી સસ્તું પડ્યું ત્યાંથી ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ઓઈલની ખરીદીને જે-તે દેશ સાથેના રાજદ્વારી સંબંધ સાથે કશી નિસ્બત નહોતી. કોઈ પણ દેશ પાસેથી પૈસા આપીને ઓઈલ ખરીદવાનું હતું.
ભારતને શરૂઆતથી જ ઓઈલના મુદ્દે બહારના દેશો પર આધારીત રહેવું પડ્યું છે. અખાતી યુદ્ધ થાય કે ઓઈલ સપ્લાય ઓછો થાય ત્યારે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઉછાળો આવતો હતો. સરકાર વારંવાર ખુલાસો કરતી હતી કે અમે શું કરીએ, વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવોમાં વધારો થયો છે.
મોદી સરકારની સદનસીબી એ છે કે છેલ્લા કેટલાંક વર્ષોથી ઓઈલના ભાવ ૬૦-૬૧ ડોલર પ્રતિ બેરલની વચ્ચે ફરતા રહે છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ખાસ ફેરફાર નથી પડ્યો અને મોંઘવારી પણ કાબુમાં રહી છે.
આંતરરાષ્ટ્રીય તેલબજાર હાલ ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. વેનેઝુએલાના વિશાળ તેલભંડાર પર અમેરિકા દ્વારા નિયંત્રણ મેળવવું તે આનું સૌથી મોટુ ંકારણ છે. વેનેઝુએલામાં આશરે ૩૦૩ અબજ બેરલ તેલ ભંડાર છે, જે વિશ્વના કુલ ભંડારના આશરે ૧૭ ટકા છે. આ વોલ્યુમ સાઉદી અરેબિયા કરતાંય વધારે છે.
અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું છે. જો ભારત આમ નહીં કરે, તો તેણે વધુ ટેરિફનો સામનો કરવો પડશે. ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના ૮પ ટકાથી વધુ જથ્થો આયાત કરે છે. અહેવાલ મુજબ ભારત હાલમાં લગભગ ૪૦ દેશોમાંથી ક્રૂડ ઓઈલ આયાત કરે છે. આ વિશાળ નેટવર્કમાં વેનેઝુએલાની એક સમયની મહત્વપૂર્ણ ભૂમિકામાં હવે તીવ્ર ઘટાડો થયો છે. ર૦રર પહેલા ભારતે ફકત ર૭ દેશો પાસેથી તેલ ખરીદ્યું હતું.
આ વિસ્તરણ રશિયા- યુક્રેન જેવા ભૂરાજકીય અવરોધોને દૂર કરવા અને કોઈપણ એક ક્ષેત્ર પર વધુ પડતી નિર્ભરતા ટાળવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. તાજેતરમાં આર્જેન્ટિનાએ પણ ભારતને ક્રૂડ તેલ સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.
ભારતની ક્રૂડ તેલની આયાતમાં કિંમતના ફાયદા અને લોજિસ્ટિકલ વિચારણાઓના આધારે વધઘટ થાય છે. ભારતના મુખ્ય સપ્લાયર્સમાં અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, સંયુકત આરબ અમીરાત અને ઈરાકનો સમાવેશ થાય છે.
રશિયા હાલમાં ભારતના તેલ સપ્લાયર્સની યાદીમાં ટોચ પર છે. ર૦રપમાં રશિયા ભારતના કુલ ક્રૂડ તેલ આયાતમાં ૩પ ટકા થી ૩૬ ટકા હિસ્સો ધરાવતો હતો. પશ્ચિમી પ્રતિબંધો પછી રશિયા દ્વારા આપવામાં આવેલી નોંધપાત્ર છૂટછાટોને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. જોકે ર૦રપના અંત સુધીમાં નવા પ્રતિબંધોના દબાણને કારણે પુરવઠામાં થોડો ઘટાડો થયો છે.
ઈરાક ભારતનો બીજો સૌથી મોટો સપ્લાય છે, જેનો હિસ્સો ર૦ ટકાથી ર૩ ટકા જેટલો છે. આ છી સાઉદી અરેબિયા ૧૬ થી ૧૮ ટકા સાથે અને સંયુકત આરબ અમીરાત આશરે ૮ ટકાથી ૧૦ ટકા આયાત સાથે આવે છે.
એક સમયે ભારતનું મુખ્ય સપલાય ગણાતું વેનેઝુએલા હવે ભારતના તેલ બાસ્કેટમાં નોધપાત્ર રીતે બહુ ઓછી ભૂમિકા ભજવે છે. નવેમ્બર ર૦રપ સુધીમાં વેનેઝુએલાનો હિસ્સો ફકત ૦.૩ ટકાથી ૦.૬ ટકા હતો. ર૦૧૩માં વેનેઝુએલાના હિસ્સો ૧ર.૪ ટકાથી ર૦૧૯માં પ.૯ ટકા અને ર૦ર૦માં ૩.૬ ટકા હિસ્સો હતો. યુએસે મૂકેલા પ્રતિબંધો, ચૂકવણીની મુશ્કેલીઓ અને ટેરિફ ધમકીઓને કારણે ઉત્તરોતર ઘટાડો નોંધાયો હતો. આ જ કારણ છે કે ભારતીય રિફાઈનરીઓએ મે, ર૦રપ પછી વેનેઝુએલા પાસેથી ખરી કરવાનું લગભગ બંધ કરી દીધું હતું.
