Western Times News

Gujarati News

રાજસ્થાનથી ૪૮ લાખનું હેરોઈન લાવનાર પેડલર વડોદરા રેલવે સ્ટેશને ઝડપાયો

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાં ડ્રગ્સ, હેરોઈન અને હાઈબ્રિડ ગાંજાનું ચલણ સતત વધી રહ્યું છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ રાજસ્થાનથી ૪૮ લાખનું હેરોઈન લઈને વડોદરા આવી રહેલા પેડલરને વડોદરા રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો.

પેડલર અમરિકસિંઘ પ્લેટફોર્મ પરથી કૂદીને ખાડામાં પડતાં પગ ભાંગ્યો હતો. પોલીસે તેની પાસેથી ગાંજો કબજે લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

ગાંજો, હેરોઈન, ચરસ અને ડ્રગ્સના પેડલરોની સ્થાનિક પોલીસને માહિતી મળતી નથી ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના નિલિપ્ત રાય અને મયુર ચાવડાની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી આવી રહેલી એક ટ્રેનમાં પેડલર ૪૮ લાખનું હેરોઈન લઈને આવી રહ્યો છે

તરત જ ઈન્સ્પેકટર વનાર અને કરમટા ટીમ સાથે વડોદરા રેલવે સ્ટેશન ગોઠવાઈ ગયા હતા. મધ્ય રાત્રે ટ્રેન આવી અને તેમાંથી પેડલર હેરોઈન લઈને ઉતર્યો. પોલીસે તેને રોકવા માટે ઈશારો કર્યો પરંતુ તેને ખબર પડી જતાં તે ભાગ્યો હતો. પ્લેટફોર્મ કૂદીને ભાગવા જતાં તે ખાડામાં પડયો હતો અને પગ ભાંગ્યો હતો.

પોલીસે તેને ઝડપી લઈ તેની પૂછપરછ કરતાં તેનું નામ અમરિકસિંઘ ઉર્ફે સોનું સર્વાંગસિંઘ માલહી (રહે.ગુરૂનાનક નગર, વડોદરા) હોવાનું જાણી શકાયું હતું. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વડોદરામાં છૂટક હેરોઈનનો વેપાર કરે છે અને તે ભટીડા, પંજાબમાં રહેતા ડ્રગ્સ-હેરોઈન સપ્લાયર નિશાતસિંઘ પાસેથી હેરોઈન લાવતો હતો. તે હેરોઈનની ડિલિવરી લેવા માટે જ રાજસ્થાન ગયો હતો જ્યાંથી તે હેરોઈન લઈને આવતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો છે.

પોલીસે હવે તેના મોબાઈલ ફોનમાંથી તેના ગ્રાહકોની વિગતો મેળવી છે જેના આધારે તપાસ ચાલી રહી છે. બીજી તરફ નિશાંતસિંહને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી લેવા માટે પણ કવાયત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે મર્સિડીઝમાં હાઈબ્રિડ ગાંજો વેચવા જતા અર્ચિત અગ્રવાલ અને તેના સાથીદાર ચિન્મય સોનીને પણ ઝડપી લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.