Western Times News

Gujarati News

તંત્રની બેદરકારીથી આમોદ તાલુકામાં પાણી માટે તરસતા ખેડૂતો

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના અનેક ગામડાઓના ધરતીપુત્રો નહેર નિગમ અને નહેર વિભાગ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી કરીને થાકી ગયા છે,છતાં તંત્રની જાડી ચામડી હજી સુધી ભેદાઈ નથી.

રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મછાસરા, રોજા ટંકારીયા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ ઝાડી-ઝાંખર અને ગાદથી ભરેલું જંગલ બની ગઈ છે. નહેર બને ત્યારથી આજદિન સુધી યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ નથી કે શું, એવા ભયાનક દ્રશ્યો નહેરના દરેક કિલોમીટરે જોવા મળી રહ્યા છે.

નહેરમાં ઉગેલા ઝાડ, ઝાંખર, ગંદકી અને ગાદના કારણે પાણીનો પ્રવાહ સંપૂર્ણ રીતે અવરોધાઈ ગયો છે.પરિણામે ખેડૂતો સુધી એક ટીપું પણ પાણી પહોંચી શકતું નથી. ઊભા પાકો સુકાઈ રહ્યા છે અને હજારો એકર ખેતી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. પાણીના અભાવે ખેતી પર આધારિત પરિવારના જીવન ઉપર સીધી આફત તૂટી પડી છે.

આ સ્થિતિએ આમોદ, જંબુસર અને ભરૂચના નહેર વિભાગના અધિકારીઓ સામે ઘોર બેદરકારી અને ઉદાસીનતાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. ખેડૂતોનો સવાલ છે કે નહેરની જાળવણી માટે જો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તો તે રકમ વાસ્તવમાં ક્યાં વપરાઈ? કાગળ પર દેખાતી કામગીરી અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત દેખાઈ રહ્યો છે.

દેણવા ડિસ્ટ્રિક્ટની અંદાજે ૧૬ કિલોમીટર લાંબી નહેરમાં નહેર વિભાગની બેદરકારી ખુલ્લેઆમ સામે આવી છે. ખેડૂતો જણાવે છે કે વિભાગ દ્વારા ૧૬ રૂપિયા પ્રતિ મીટરના દરે નહેર સાફ કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ આટલા ઓછા દરે કોઈ મજૂર કામ કરવા તૈયાર નથી.

સ્થાનિક મજૂરોનું કહેવું છે કે એક મીટર નહેર સાફ કરવામાં અડધો દિવસ લાગી જાય, ત્યારે ૧૬ રૂપિયામાં કામ કરવું અશક્ય છે.પાણી ન મળવાથી ખેડૂતો માનસિક રીતે પણ ભારે દબાણ હેઠળ આવી ગયા છે. અનેક ગામડાઓમાં ભય અને ચિંતા વધી રહી છે અને પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી, જેથી તંત્ર કુંભકર્ણી નિંદ્રામાં સૂતું હોય તેવી લાગણી ખેડૂતોમાં વ્યાપી છે.

ખેડૂતોએ હવે ચેતવણી આપી છે કે જો ચારથી પાંચ દિવસમાં નહેર મારફતે પાણી નહીં પહોંચે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. તાલુકા, જિલ્લા અને ગાંધીનગર સુધી આવેદનપત્રો આપવામાં આવશે અને જરૂર પડશે તો રસ્તા પર ઉતરીને નહેર વિભાગની બેદરકારી સામે ખુલ્લી લડત શરૂ કરાશે.ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય અને પાણીની સમસ્યા ઉકેલાશે નહીં,

તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે.આમોદ તાલુકાના ગામડાઓ માંથી ઊઠેલો આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં પરંતુ તંત્ર સામેનો ખુલ્લો પડકાર બની ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.