ભરૂચ જિલ્લામાં ૧૦૮ના ૧૪૦ કર્મચારીઓ ૩૪ એમ્બ્યુલન્સ સાથે ખડે પગે હાજર
ઉત્તરાયણના તહેવારમાં ઈમરજન્સીને પહોંચી વળવા
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતો ઉત્તરાયણ પર્વ આનંદ, મેળાવડા અને ઉત્સાહ ભર્યા પળો લાવે છે.ત્યારે ઉત્તરાયણના તહેવાર ૧૪ અને ૧૪ મી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે.છેલ્લા ચારથી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઈમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે.
આ ઈમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જીલ્લા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ ૧૪ અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ એમ બે દિવસ અપેક્ષિત ઈમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ થઈ છે અને જીલ્લામાં ૩૪ એમ્બ્યુલન્સ તેમજ ૧૪૦ કમૅચારીઓ ખડે પગે સેવા આપશે.
પાછલા વર્ષોની માહિતીના આધારે સામાન્ય દિવસોમાં આશરે ૪૪૨૪ જેટલા કોલ્સ નોંધાય છે જે ૧૪ મી જાન્યુઆરી ૨૦૨૬ એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે ૫૯૯૧ અને ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૬ એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ ૫૭૧૬ જેટલા કેસમાં વધારો નોંધાવાની શક્યતા છે.એટલે ગુજરાતમાં ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આશરે ૩૫.૪૨ ટકા અને ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આશરે ૨૯.૨૦ ટકા જેટલા ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે.
ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે આ ઉત્સવ દરમ્યાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા નોનવેહિક્યુલર જેવા કે પડી જવાના, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે.
આ તહેવારમાં સુરક્ષાએ પ્રાથમિકતા છે અને તમામ નાગરિકોને જવાબદારી પૂર્વક ઉતરાણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે.આ સાથે કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં ૧૦૮ ડાયલ કરતા અચકાશો નહીં.આ ઉતરાયણને બધા માટે આનંદમય સલામત ઉજવણી બનાવીએ.
જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સમાં આશરે ૯૭ જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતા ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આશરે ૧૦૦ કેસ એટલે કે ૩.૦૯ ટકા અને ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ૨૧૨ જેટલા કેસો એટલે કે ૨૪.૭૪ ટકા જેટલો વધારો જોવા મળશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
