પાવાગઢ પર પ્રાચીન માં કાળેશ્વરી મંદિર ધ્વસ્ત કરાતા ગુર્જર સમાજમાં રોષ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પાવાગઢ પર્વત પર આવેલું અતિ પ્રાચીન અને શ્રદ્ધાસ્પદ માં કાળેશ્વરી દેવી મંદિર સરકારી વિકાસ કાર્યો દરમિયાન ધ્વસ્ત કરવામાં આવતા ગુર્જર સમાજ સહિત લાખો ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ મુદ્દે ભક્તોએ પંચમહાલના કલેક્ટર સમક્ષ આવેદનપત્ર રજૂ કરી વૈકલ્પિક સ્થળ ફાળવવા તેમજ મંદિરના પુનઃનિર્માણની મંજૂરી આપવા માંગણી કરી છે.
માં કાળેશ્વરી દેવીનું મંદિર પાવાગઢ પર્વતના જૂના પગથિયાંની જમણી બાજુ આવેલું હતું. આ મંદિર ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું હતું. ગુર્જર સમાજ માટે આ મંદિર કુળદેવીનું પવિત્ર સ્થાન હતું અને વર્ષોથી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું હતું. જોકે, સરકાર દ્વારા હાથ ધરાયેલા કોરિડોર અને અન્ય વિકાસ કાર્યો દરમિયાન આ પુરાતન મંદિરને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું અને દેવીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઘટનાને પગલે ગુર્જર સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે સમાજ સરકારના વિકાસ કાર્યોને જનહિતમાં સ્વીકારે છે, પરંતુ વિકાસની સાથે જનતાની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે. ભક્તોના જણાવ્યા મુજબ, માં કાળેશ્વરી મંદિર માત્ર એક બાંધકામ નહોતું, પરંતુ ગુર્જર સમાજની પેઢી દર પેઢી જોડાયેલી શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક હતું.
આ સંદર્ભે વાપીના રેવા ગુજર સમાજ મંડળના ટ્રસ્ટી વસંત ધનુ મહાજને ગોધરા કલેક્ટરને અરજી કરી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ પૂર્વ નોટિસ આપ્યા વગર ગુજર સમાજના કુળદેવી માં કાળેશ્વરી દેવીનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે, જે અયોગ્ય છે. ટ્રસ્ટીએ મંદિરના પુનઃસ્થાપન માટે અથવા મંદિર સ્થાપિત કરવા માટે નવી અને યોગ્ય જગ્યા ફાળવવાની માંગ કરી છે.
અરજદાર વસંત ધનુ મહાજનના જણાવ્યા અનુસાર, માં કાળેશ્વરી દેવીનું મંદિર વર્ષો જૂનું છે અને તેમાં તેમના પરિવારના પૂર્વજો સહિત સમાજના લોકો નિયમિત પૂજા-પાઠ કરતા આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મંદિર તોડી પાડ્યા બાદ પણ તે સ્થળ પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું નથી. તેથી, મંદિરને તે જ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે અથવા પાવાગઢ કે તેની આસપાસ યોગ્ય અને માન્ય સ્થળ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ મામલે પ્રશાસન દ્વારા શું નિર્ણય લેવાશે તેની તરફ ગુર્જર સમાજ સહિત શ્રદ્ધાળુઓની નજર મંડાઈ છે.
