Western Times News

Gujarati News

UBS એથ્લેટિક્સ કિડ્સ કપની અમદાવાદ સિટી ફાઈનલ 12 જાન્યુઆરી, 2026ના રોજ યોજાઈ

યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપે તેની બીજી સીઝનનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કરતાં 12 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદ સિટી ફાઈનલનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધા અમદાવાદના નિકોલ ખાતે આવેલા સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG)ના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પર યોજાઈ હતી.

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026: માત્ર બે મહિના પહેલા લોન્ચ કરવામાં આવેલા યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના અમદાવાદ પાઇલટ પ્રોજેક્ટે પાયાના સ્તરના એથ્લેટિક્સ માટે પહેલેથી જ ભારે ઉત્સાહ જગાવ્યો હતો. 20 શાળાઓ અને બે સ્પોર્ટ્સ એકેડમી સાથે શરૂ થયેલી આ પહેલ દ્વારા શાળા સ્તરની સ્પર્ધાઓમાં 5,000થી વધુ બાળકો જોડાયા હતા. આમાંથી ટોચના 500 યુવા એથ્લેટ્સ રમતગમતના ક્ષેત્રમાં ગતિશીલતા, આત્મવિશ્વાસ અને આનંદના ઉત્સવરૂપ એવી અમદાવાદ સિટી ફાઈનલમાં ભાગ લેવા માટે પસંદ થયા હતા.

અમદાવાદ પાઇલટ પ્રોજેક્ટની ઝાંખી

  • 5,000 બાળકોએ શાળા સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો
  • 500 ફાઇનલિસ્ટોએ સિટી ફાઇનલમાં ભાગ લીધો
  • ભાગ લેનારી શાળાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, એ-વન ઝેવિયર્સ સ્કૂલ, મહારાજા અગ્રસેન પબ્લિક સ્કૂલ સહિત અન્ય શાળાઓનો સમાવેશ થાય છે
  • સ્પોર્ટ્સ એકેડમી: ગ્રો એકેડમી અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG)

સિટી ફાઈનલમાં 7થી 15 વર્ષની વયના છોકરા અને છોકરીઓએ આ પહેલની મુખ્ય એથ્લેટિક સ્પર્ધાઓ—60 મીટર સ્પ્રિન્ટ, લોંગ જમ્પ અને બોલ થ્રોમાં ભાગ લીધો હતો. ફાઇનલિસ્ટોએ પ્રોફેશનલ રીતે આયોજન કરાયેલા કાર્યક્રમના માહોલનો અનુભવ કર્યો હતો, જે યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના મૂલ્યો સમાવેશકતા, સહભાગીતા અને સર્વાંગી શારીરિક વિકાસને પ્રતિબિંબિત કરતો હતો. અમદાવાદ સિટી ફાઈનલના વિજેતાઓને મેડલ, પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તમામ સહભાગી બાળકો અને શાળાઓ માટે યાદગાર ક્ષણ બની રહી.

બીજી સીઝન સાથે, આ પહેલ ભારતના પાંચ શહેરોમાં 2,50,000થી વધુ બાળકો સુધી પહોંચી હતી, જે સમગ્ર દેશમાં તેના વધતા જતા પ્રભાવ અને મહત્વને દર્શાવતું હતું. શહેરની શાળાઓથી લઈને અંતરિયાળ સમુદાયો સુધી, યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપે બાળકોને ગતિશીલ બનવાની, સ્પર્ધામાં ભાગ લેવાની અને આગળ વધવાની તક આપી હતી.

સમગ્ર દેશમાં શાળાઓએ નોંધપાત્ર સર્જનાત્મકતા અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. દરિયાકિનારા પર, આંગણામાં અથવા કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલા રસ્તાઓ પર પણ સ્થાનિક સ્પર્ધાઓનું આયોજન કરીને આ પ્રયાસોએ સાબિત કર્યું કે ગતિશીલતા માટેના જુસ્સાને સંપૂર્ણ માળખાની જરૂર નથી, ફક્ત તેને સાકાર કરવાની ઈચ્છાશક્તિ જરૂરી છે.

ડીએસપાવરપાર્ટ્સના સીઈઓ અને આ પહેલના સહ-સ્થાપક શ્રી ડેનિયલ શેન્કરે જણાવ્યું હતું કે, “યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ ભારતના રમતગમતનું ભવિષ્ય ઘડવા માટે ઝડપથી એક શક્તિશાળી માધ્યમ બની રહ્યો છે. જ્યારે ફક્ત બીજી જ સીઝનમાં 2,50,000થી વધુ બાળકો આ અભિયાનનો ભાગ બની ચૂક્યા છે, ત્યારે દસ વર્ષે આ પહેલ કેટલું મોટું સ્વરૂપ લઈ શકે છે તેની કલ્પના કરી શકાય. આમાં કેટલા બાળકો વધુ સક્રિય, આત્મવિશ્વાસુ બનશે અને કદાચ ભારતીય ચેમ્પિયન્સની આગામી પેઢી તૈયાર થશે.”

નવી પેઢી માટે પ્રેરણા

ઑલિમ્પિક ચેમ્પિયન અને યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના એમ્બેસેડર શ્રી નીરજ ચોપરાએ આ પહેલને સમગ્ર ભારતમાં મળતી ગતિ જોઈને ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,
“આટલી મોટી સંખ્યામાં બાળકોને આટલી આનંદદાયક અને સુલભ રીતે એથ્લેટિક્સ સાથે જોડાયેલા જોવું ખરેખર અદભૂત છે. યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ વિશે મને સૌથી વધુ ગમતી વાત એ છે કે તે દરેક બાળકને, તેમની પૃષ્ઠભૂમિ ભલે કંઈ પણ હોય પણ  રમવાની, પોતાની જાતને પડકારવાની અને મોટા સપના જોવાની તક આપે છે. આવા અનુભવો જીવન બદલી શકે છે અને રમતગમતની બહાર પણ આત્મવિશ્વાસ ઉભો કરે છે.”

1 નવેમ્બરથી 17 જાન્યુઆરી દરમિયાન, યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ દ્વારા મુંબઈ, હૈદરાબાદ, પૂણે, ચેન્નઈ અને અમદાવાદમાં કુલ 14 રીજનલ અને ગ્રાન્ડ સિટી ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો એ સેંકડો શાળાઓના શ્રેષ્ઠ યુવા એથ્લેટ્સને એકસાથે લાવ્યા હતા, જ્યાં તેમણે પ્રયત્ન, પ્રતિભા અને રમતગમતના આનંદને ઉજવતા પ્રોફેશનલ માહોલમાં સ્પર્ધા કરી હતી.

યુબીએસ ઈન્ડિયા સર્વિસ કંપનીના હેડ શ્રી મેથિયાસ શેકેએ જણાવ્યું હતું કે,
“આ સ્પર્ધા ફક્ત મેડલ જીતવા વિશે નથી. તે એક એવી સંસ્કૃતિ વિકસાવવા વિશે છે, જ્યાં રમતગમત દરેક બાળકના જીવનનો સ્વાભાવિક ભાગ બની જાય. જે તેમને વધુ મજબૂત, સ્વસ્થ અને તેમના સમુદાયો સાથે વધુ જોડાયેલા બનાવે. આ રીતે જ આપણે સાથે મળીને એક વધુ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ.”

કાર્યક્રમની વિગતો

તારીખ: 12 જાન્યુઆરી, 2026
સ્થળ: સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG) એથ્લેટિક્સ ગ્રાઉન્ડ, નિકોલ, અમદાવાદ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.