Western Times News

Gujarati News

ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક વેપાર પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત

વોશિંગ્ટન ડીસી, ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ઈમરજન્સી એલર્ટ જાહેર કરીને તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા કહ્યું છે. ઈરાનમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા ભીષણ વિરોધ પ્રદર્શન બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૦૦થી વધારે લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત કરી છે.

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટું પગલું ભર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ઈરાન સાથે વેપાર કરનારા કોઈપણ દેશે તેની કિંમત ચુકવવી પડશે. અમેરિકાએ આવા દેશો પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો કોઈ પણ દેશ ઈરાન સાથે કારોબાર કરશે તો તેમને અમેરિકા સાથે થનારા દરેક વેપાર પર ૨૫ ટકા ટેક્સ આપવો પડશે. આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ થશે અને તેમાં કોઈ બદલાવ નહીં થાય.

ટ્રમ્પના આ નિર્ણયથી ચીન, બ્રાઝીલ, રશિયા જેવા દેશોને સીધી અસર થશે.એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે અને તે હિંસક બની શકે છે, જેના કારણે ધરપકડ અને ઈજાઓ થઈ શકે છે. સુરક્ષાના કડક પગલાં, રસ્તાઓ બંધ કરવા, જાહેર પરિવહનમાં અવરોધો અને ઈન્ટરનેટ બ્લોકેજ ચાલુ છે. ઈરાન સરકારે મોબાઈલ, લેન્ડલાઈન અને નેશનલ ઈન્ટરનેટ નેટવર્ક સુધીની પહોંચ મર્યાદિત કરી દીધી છે.

એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, એરલાઈન્સ ઈરાન આવવા-જવાની ફ્લાઈટ્‌સ મર્યાદિત કરી રહી છે અથવા રદ કરી રહી છે, ઘણી એરલાઈન્સે શુક્રવાર, ૧૬ જાન્યુઆરી સુધી સેવાઓ બંધ કરી દીધી છે.

અમેરિકી નાગરિકોએ ઈન્ટરનેટ આઉટેજના કારણે સંદેશાવ્યવહારના વૈકલ્પિક સાધનોનું આયોજન કરવું જોઈએ અને જો સુરક્ષિત હોય તો આર્મેનિયા અથવા તુર્કીના રસ્તે ઈરાન છોડવા પર વિચાર કરવો જોઈએ.

અમેરિકી વહીવટીતંત્રે જણાવ્યું છે કે ઇરાન સરકાર બેવડી નાગરિકતા ને માન્યતા આપતી નથી. આવી સ્થિતિમાં, આ નાગરિકોને સંપૂર્ણપણે ઇરાની નાગરિક માનીને તેમના પર ત્યાંના કડક કાયદાઓ લાદવામાં આવી શકે છે. અમેરિકી પાસપોર્ટ બતાવવો અથવા અમેરિકા સાથે સંબંધ હોવાનો કોઈપણ પુરાવો ધરપકડનો આધાર બની શકે છે.

ઇરાનમાં કોઈ અમેરિકી દૂતાવાસ નથી, તેથી સંકટમાં ફસાયેલા નાગરિકોને સરકારી મદદ મળવી લગભગ અશક્ય છે.ઈરાન છેલ્લા કેટલાય અઠવાડિયાથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની લપેટમાં છે.

આ વિરોધ પ્રદર્શનો ૨૮ ડિસેમ્બરના રોજ વધતી જતી મોંઘવારીને કારણે શરૂ થયા હતા અને ત્યારબાદ તે લગભગ પાંચ દાયકાથી દેશ પર શાસન કરી રહેલા ધાર્મિક નેતૃત્વ વિરુદ્ધ મોટા હિંસક પ્રદર્શનોમાં ફેરવાઈ ગયા હતા. ઈરાનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૪૪ લોકોના મોત થયા છે અને ૧૦,૬૮૧ થી વધુ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.