Western Times News

Gujarati News

સાઇબર ફ્રોડ રોકવા ‘એપ’ને બેકગ્રાઉન્ડમાં કેમેરા-માઇક્રોફોન વાપરવા પર પ્રતિબંધ મૂકાશે

વોશિંગ્ટન, કેન્દ્ર સરકાર સાઇબર ફ્રોડ રોકવા માટે મોબાઇલ ફોન કંપનીઓ પર લગામ કસવાની તૈયારીમાં છે. આ માટે ફોન કંપનીઓની એપમાંથી કેમેરા અને માઇક્રોફોન પર પ્રતિબંધ લગાવવામાં આવશે. તેની સાથે સલામતીના ૮૩ માપદંડ રચવામાં આવ્યા છે, તેનું પાલન કરવું પડશે. આ સિવાય કંપનીઓએ ફોન જેના દ્વારા ચાલે છે તે સોર્સ કોડની જાણકારી આપવી પડશે, કંપનીઓએ આ બધાનો વિરોધ કર્યાે છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ સોર્સ કોડનું ભારતની અંદર લેબમાં વિશ્લેષણ કરવામાં આવશે અને જરૂર પડે તો તેની તપાસ પણ થશે. સંચાર સુરક્ષા પ્રસ્તાવમાં સરકારે કંપનીઓને સોફ્ટવેરમાં ફેરફાર કરવાની પણ વાત કહી છે, જેના દ્વારા ફોનમાંથી પહેલા અનિવાર્ય રીતે ઇન્સ્ટોલ એપને હટાવી શકાય. પ્રસ્તાવ મુજબ કંપનીઓએ કોઈપણ સોફ્ટવેરનું અપડેટ અને સુરક્ષાની બધી જાણકારી નેશનલ સેન્ટર ફોર કમ્યુનિકેશન સિક્યોરિટીને આપવી પડશે.

સાઇબર ભયનો સામનો કરવા માટે સમયાંતરે ફોનમાં ઓટોમેટિક મેલવેરની સ્કેનિંગ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો આ પ્રસ્તાવ ૨૦૨૩માં તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ સરકાર હવે તેને કાયદેસર રીતે લાગુ કરવા માંગે છે. આ માટે સરકારનું ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય મોબાઇલ ફોન કંપનીઓની સાથે બેઠક યોજી શકે છે. સરકારે સુરક્ષાના ૮૩ માપદંડો તૈયાર કર્યા છે તેનો ફોન કંપનીએ વિરોધ કર્યાે છે.

લોકોને સાઇબર સુરક્ષા પૂરી પાડવી પીએમ મોદીની અગ્રતાઓમાં એક છે. તેના હેઠળ સાઇબર સુરક્ષા ચક્ર મજબૂત બનાવવા સાથે લોકોની વ્યક્તિગત જાણકારીને સુરક્ષિત કરવાનો સમાવેશ થાય છે. ભારત વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટફોન બજાર છે, જ્યાં ૭૫ કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ એસ કૃષ્ણને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ પર કંપનીઓપું જે પણ સૂચન અને દરખાસ્ત હશે તેના પર ખુલ્લા મનથી વિચાર થશે.

જો કે હજી આ બધુ પ્રારંભિક સ્તર પર છે તેના અંગે હાલમાં કશું કહી ન શકાય. આ અંગે સ્માર્ટફોન ઉત્પાદકોનું કહેવું છે કે તેઓ સોર્સ કોડની સલામતીને લઈને ખૂબ જ ગંભીર છે. એપલે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ચીન દ્વારા કેટલીય વખત સોર્સ કોડની કરવામાં આવેલી માંગ નકારી કાઢી હતી.

અમેરિકન કાયદાકીય એજન્સીઓએ પણ કેટલીય વખત સોર્સ કોડ જાણવાનો પ્રયત્ન કર્યાે છે, પરંતુ તેને નિષ્ફળતા મળી છે. ભારતના મેન્યુફેક્ચર્સ એસોસિયેશન ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી (એમએઆઇટી)એ ગયા સપ્તાહે સરકારને આ પ્રસ્તાવ ખતમ કરવાનું કહ્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કેન્દ્રના આ નિયમ અંગે કંપનીઓનું કહેવું છે કે વિશ્વના કોઈ દેશે આવા નિયમ બનાવ્યા નથી, જે ભારતે બનાવ્યા છે. આ ઉપરાંત એમએઆઇટીએ સરકારને જણાવ્યું છે કે નિયમિત મેલવેર સ્કેનિંગથી ફોનની બેટરી વહેલા ખતમ થશે. આ ઉપરાંત સરકાર ઇચ્છે છે કે ફોનમાં એક વર્ષનો ડેટા સલામત રહે, વાસ્તવમાં ફોનમાં આટલી સ્પેસ જ હોતી નથી. આવા નિયમોથી તકલીફોમાં વધારો જ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.