વાંઠવાડીમાં તસ્કરો મકાનનું તાળું તોડી રૂ. ૧૧.૧૮ લાખની મત્તા ચોરીને ફરાર
નડિયાદ, મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામે રહેતા પરિવારજનો બીમાર દીકરાને લઈને સારવાર કરાવવા સુરત ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૧૧,૧૮,૦૦૦ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામે રામજી ફળિયામાં બહાદુર મુન્નાલાલ શર્મા પરિવાર સાથે રહે છે. તેમનો દીકરો અભિષેક મગજની બીમારીથી પીડાતો હોવાથી ગત તા.૮-૧-૨૬ના રોજ મકાનને તાળું મારી તેઓ પત્ની અને પુત્રવધુને સાથે લઈ સુરત ખાતેની હોસ્પિટલ ગયા હતા. જ્યાં દીકરાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન તા.૮થી તા.૧૧ની રાત્રિ સમયે અજાણ્યા તસ્કરો બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. આ તસ્કરો ઘરમાં તમામ ચીજ વસ્તુઓ કપડાં વગેરે વેરવિખેર કરી લાકડાના બે કબાટમાં મુકેલા સોનાના દાગીના જેમાં સોનાની વીંટીઓ, સોનાની ચેન, સોનાની રુદ્રાક્ષની ચેન, સોનાના કડા, ચાંદીના છડા, ચાંદીની પાટ, ચાંદીના સિક્કા નંગ ૧૫, ચાંદીની મૂત, ચાંદીના ગ્લાસ મળી કુલ રૂ.૬,૩૫,૦૦૦ના સોના ચાંદીના દાગીના,૨૦૦ ડોલર કિંમત રૂ.૧૮,૦૦૦ તેમજ રોકડ રૂ.૪,૬૫,૦૦૦ મળી કુલ રૂ.૧૧,૧૮,૦૦૦ની મત્તા ચોરી ફરાર થયા હતા. આ બનાવ અંગે સુનીતાબેન રાજ બહાદુર શર્માની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS
