પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદ
બોટાદ, ગઢડા તાલુકાના ઢસા ગામે પાંચેક વર્ષ પૂર્વે પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદની સજાનો કોર્ટે હુકમ કર્યાે છે.
બોટાદમાં રહેતા અહેમદભાઈ હારૂનભાઈ ગેલેરિયાના બહેન સુફિયાબેનના વર્ષ ૨૦૦૮માં ઢસા ગામે રહેતો આશીફ કાદરભાઈ હુનાણી નામના શખ્સ સાથે નિકાહ થયા હતા. લગ્ન બાદથી જ શખ્સ તેની પત્ની ઉપર શંકા-કુશંકા કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હોય, દરમિયાનમાં ગત તા.૨૦-૨-૨૦૨૧ના રોજ આશીફે ઉશ્કેરાઈ જઈ સુફિયાબેનને ઘરના ફળિયામાં આવેલ પાણીના હોજમાં પાટું મારી પાડી દઈ બાદમાં ગળું પકડી ડૂબાડી હત્યા કરી નાંખી હતી.
જે બનાવ અંગે અહેમદભાઈએ ઢસા પોલીસમાં આશીફ હુનાણી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેનો કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્જ જજ મનીષસહાય જે. પરાસરની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો-રજૂઆતો તેમજ ફરિયાદી પક્ષે ૧૦ સાક્ષીની તપાસ, ૨૬ દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી કોર્ટે હત્યારા આરોપી આશીફ કાદરભાઈ હુનાણીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડનો હુકમ ફરમાવેલ છે.SS1MS
